Followers

25 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 18 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 18


➽અઠ્ઠાણુ ભાઈઓની દીક્ષા: શ્રી ઋષભદેવ, તેમના સો પુત્રોને જુદાં જુદાં રાજ્ય આપીને શ્રમણ બન્યા હતા. સમ્રાટ્ ભરત ચક્રવર્તી બનવા માગતા હતા. તેમણે પોતાના નાના ભાઈઓને પોતાને આધીન કરવા માટે તેમની પાસે દૂતોને મોકલ્યા. અઠ્ઠાણુંએ ભાઈઓએ મળીને પરસ્પર મસલત કરી પરંતુ તેઓ નિર્ણય ઉપર ન પહોંચી શક્યા. તે વખતે ભગવાન અષ્ટાપદ તરફ વિચરી રહેલ હતા. તે બધા ભગવાન શ્રી ઋષભદેવની પાસે પહોંચ્યા. સ્થિતિનો પરિચય આપતાં નિવેદન કર્યું-"પ્રભો! આપના દ્વારા અપાયેલ રાજ્ય ઉપર ભાઈ ભરત લલચાઈ રહ્યા છે, તે અમારું રાજ્ય લઈ લેવા માગે છે. શું યુદ્ધ કર્યા વિના અમે તેને રાજ્ય આપી દઈએ? જો આપી દઈએ તો તેની સામ્રાજ્ય-લિપ્સા વધી જશે અને અમે પરાધીનતાના ખાડામા ડૂબી જઈશું. જો અમે અમારા મોટાભાઈ સાથે યુદ્ધ કરીએ તો ભાતૃ-યુદ્ધની એક અનુચિત પરંપરાનો પ્રારંભ થઈ જશે તેથી અમારે શું કરવું યોગ્ય છે?"

ભગવાન બોલ્યા- "પુત્રો! તમારું ચિંતન બરાબર છે. યુદ્ધ પણ ખરાબ છે અને કાયર બનવું તે પણ ખરાબ છે. યુદ્ધ એટલા માટે ખરાબ છે કે તેના અંતમાં વિજેતા તેમજ પરાજિત બન્નેને સંતાપ તેમજ નિરાશા મળે છે. પોતાની સત્તા ગુમાવીને પરાજિત પસ્તાય છે અને કાંઈ નહિ મળવાથી વિજેતા પસ્તાય છે. કાયર બનવાની પણ હું તમને સલાહ આપી શકતો નથી. હું તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય.

ભગવાનની આશ્વાસનભરી વાણી સાંભળીને બધાંના મુખકમળ ખીલી ઊઠ્યાં. મનમયૂર નાચવા લાગ્યા. તેઓ અનિમેષ (એકી નજરે) દૃષ્ટિથી ભગવાનને નિહાળવા લાગ્યા. ભગવાનની ભાવનાને તેઓ સ્પર્શી શક્યા નહિ. તે તેમની કલ્પનામાં ન આવી શક્યું કે ભૌતિક રાજ્ય સિવાય પણ કોઈ રાજ્ય હોઈ શકે છે. તે ભગવાન દ્વારા બતાવાયેલા રાજ્ય મેળવવા વ્યગ્ર બની ગયા. તેમની તીવ્ર લાલસા જોઈને ભગવાન બોલ્યા-"એક લાકડા કાપનારો માણસ હતો. તે ભાગ્યહીન અને મૂર્ખ હતો. પ્રતિદિન ભરણપોષણ કરતો. એક વખત તે સખત ઉનાળામાં અસહ્ય ગરમીમાં થોડું પાણી લઈને જંગલમાં ગયો અને સૂકાં લાકડાં એકઠા કરીને કોયલા બનાવવા માટે તેમાં આગ લગાડી દીધી.

અસહ્ય ધગધગતી ગરમી અને પ્રચંડ જ્વાલાના કારણે તેને ઘણી તરસ લાગી. તે પોતાની સાથે જે પાણી લાવ્યો હતો તે પી ગયો પરંતુ તેની તૃષા છીપી નહિ. આમ તેમ જંગલમાં પાણીની તપાસ કરી પરંતુ કોઈ જગ્યાએ પાણી મળ્યું નહિ. પાસે કોઈપણ ગામ હતું નહિ, તરસથી ગળું સુકાઈ જતું હતું, ગભરાટ વધી રહ્યો હતો. તે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. નિદ્રા આવી ગઈ. તેણે સ્વપ્ન જોયું કે ઘરમાં જેટલું પણ પાણી છે તે પી ગયો છે તો પણ તરસ મટી નહિ, કૂવા ઉપર ગયો અને ત્યાંનું બધું પાણી પીતાં ગયો તો પણ તરસ છીપી નહિ, નદી-નાળાં અને ઝરણાંના પાણી પીતાં પીતાં સમુદ્ર તટે પહોંચ્યો. બધું પાણી પી જવા છતાં પણ તેની તરસ ઓછી ન થઈ. તરસથી તરફડતો તે સમુદ્ર કાંઠે ભીના થયેલા ઘાસને નીચોવીને તરસ મટાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં તેની ઊંઘ ઊડી ગઈ."

પ્રસ્તુત રૂપકનો ઉપસંહાર કરતાં ભગવાને કહ્યું-"શું પુત્રો! તે ભીના થયેલા ઘાસને નીચોવી પીવાથી તેની તૃષા શાંત થઈ શકે ખરી?"

પુત્રોએ કહ્યું: "નહિ ભગવન્!"

ભગવાને પોતાના અભિપ્રાય તરફ પુત્રોને આકૃષ્ટ કરતાં કહ્યું:- `ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાનો પ્રયાસ પણ ભીના થયેલા ઘાસને નીચોવી પીવા સમાન છે. સ્વર્ગીય સુખોથી પણ જેની તૃષ્ણા શાંત ન થઈ તે આવા તુચ્છ અને અલ્પકાળનાં રાજ્યથી શાંત થાય તે કઈ રીતે સંભવિત છે? તેથી સંબોધિ પ્રાપ્ત કરો. વસ્તુતઃ ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખોથી આધ્યાત્મિક સુખ ઉત્તમ છે, તેને ગ્રહણ કરો. તેમાં ન કાયરતાની જરૂર છે કે ન યુદ્ધનો પ્રસંગ છે. જ્યાં સુધી સ્વરાજ્ય મળતું નથી ત્યાં સુધી પર-રાજ્યની અભિલાષા રહે છે. સ્વરાજ્ય મળી જતાં પરરાજ્યનો મોહ રહેતો નથી." ભગવાનના ઉપદેશથી પ્રભાવિત થઈને અઠ્ઠાણુએ ભાઇઓએ રાજ્ય ત્યાગી સંયમ ગ્રહણ કરી લીધું. ભરતને આ ખબર મળતાંજ તેઓ દોડ્યા-દોડ્યા આવ્યા. ભાતૃ-પ્રેમથી તેની આંખો ભીની થઈ ગઈ પણ તેની ભીની આંખો અઠ્ઠાણુ ભાઈઓને સંયમના પંથથી વિચલિત ન કરી શકી. ભરત નિરાશ થઈને પોતાને ઘેર પાછા ફર્યા.

No comments:

Post a Comment

ideamage