Followers

Showing posts with label Jain Stuti Stavan. Show all posts
Showing posts with label Jain Stuti Stavan. Show all posts

3 July 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 22 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 22


કૌશલિક અર્હંત ઋષભને ચોર્યાસી ગણ અને ચોર્યાસી ગણધર હતા. કૌશલીક અર્હંત ઋષભના સંઘમાં ઋષભસેન પ્રમુખ ચોર્યાસી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્યિકાઓની ઉત્કષ્ટ આર્યિકા સંપદા હતા. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં જિન નહિ પણ `જિન' સમાન ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં નવહજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં વીસ હજાર છસો વૈક્રિય લબ્ધિધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સમુદાયમાં અઢી દ્વીપમાં અને બન્ને સમુદ્રોમાં રહેતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના મનોભાવોને જાણનારા એવા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાનીઓની બાર હજાર છસો પચાસ જેટલી ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હંત ઋષભના સંઘમાંથી તેમના વીસ હજાર અંતેવાસી શિષ્ય બાવીસ હજાર નવસો કલ્યાણ ગતિવાળા યાવત્ ભવિષ્યમાં ભદ્ર પ્રાપ્ત કરનારા અનુત્તરોપપાતિકોની અર્થાત્ અનુત્તર વિમાનમાં જનારાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.

27 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 20 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 20


➽બાહુબલીને કેવળજ્ઞાન: બાહુબલીના પગ ચાલતાં ચાલતાં અટકી ગયા. તેઓ પિતાના શરણમાં પહોંચવા છતાં પણ ચરણમાં ન પહોંચી શક્યા. પૂર્વે દીક્ષિત નાના ભાઈઓને નમન કરવાની વાત સ્મૃતિમાં આવતાંજ તેમનાં ચરણ એકાંત-શાંત જંગલમાંજ સ્તબ્ધ થઈ ગયાં. અસંતોષ ઉપર વિજય મેળવનારા બાહુબલી અસ્મિતાથી પરાજિત થઈ ગયા. એક વરસ સુધી હિમાલયની માફક અડોલ ધ્યાન-મુદ્રામાં અવસ્થિત રહેવા છતાં પણ કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત ન થઈ શક્યો. શરીર ઉપર લતા-વેલો ચડી ગઈ. પક્ષીઓએ માળા બાંધી દીધા તથાપિ સફળતા મળી શકી નહિ, કેવળજ્ઞાન ન થયું.
"હાથી ઉપર આરૂઢ થયેલ વ્યક્તિને કદી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થતી નથી તેથી ભાઈ! હાથી ઉપરથી નીચે ઊતરો" એવા શબ્દો એક દિવસ બાહુબલીના કાનમાં પડ્યા. બાહુબલીએ ચિંતન કર્યું-હું હાથી ઉપર ક્યાં આરૂઢ છું? પછી વિચારધારાએ વળાંક લીધો, નેત્ર ખોલ્યાં, સામે વિનીત મુદ્રામાં ભગિનીઓને નિહાળતાં વિચારમગ્ન થઈ ગયા. હું વ્યર્થ અભિમાનના હાથી ઉપર ચડ્યો હતો. હું અવસ્થાના ભેદમાં ફસાઈ ગયો. તે ભાઈઓ ઉમરમાં મારાથી ભલે નાના હોય પણ ચારિત્ર્યની દૃષ્ટિથી તો મોટા છે. મારે નમન કરવું જોઈએ." નમન કરવા માટે જેવા પગ ઉપડ્યા કે ત્યાં જ બંધન તૂટી ગયા. વિનયે અહંકારને શાંત કરી દીધો. બાહુબલી ત્યાં જ કેવળી બની ગયા, ભગવાન શ્રી ઋષભદેવને નમન કરી, કેવળી પરીષદમાં આવીને તેમનામાં ભળી ગયા.


26 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 19 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 19


➽ભાતૃ-યુદ્ધ: સમ્રાટ્ ભરત એક શાસન સૂત્રમાં સમગ્ર ભારતને પરોવવા માગતા હતા. તેથી પોતાના નાનાભાઈ બાહુબલીને એવો સંદેશો પહોંચાડ્યો કે તે ચક્રવર્તીની આજ્ઞાનો સ્વીકાર કરી લે. ભરતનો આ સંદેશો સાંભળતાંજ બાહુબલીની ભ્રકુટિ ચડી ગઈ. ક્રોધ ઊભરાઈ આવ્યો. દાંત કચકચાવી કહેવા લાગ્યો- "શું ભરતની ભૂખ હજી પણ શાંત ન થઈ! પોતાના નાના ભાઈએ રાજ્ય છીનવી લેવા છતાં પણ તેને સંતોષ ન થયો? જો તે એમ સમજતા હોય કે હું શક્તિશાળી છું અને શક્તિથી બધાને ચટ કરી નાખું તો તે શક્તિનો સદુપયોગ નહિ, દુરૂપયોગ છે. માનવતાનું ભયંકર અપમાન છે અને કુળ-મર્યાદાનું અતિક્રમણ છે. અમારા પૂજ્ય પિતાશ્રી વ્યવસ્થાના નિર્માતા છે અને અમે તેમના પુત્રો થઈને વ્યવસ્થાનો ભંગ કરીએ તો તે અમારા માટે ઊચિત નથી. બાહુ-બળમાં તો હું ભરતથી કોઈ પણ પ્રકારે ઓછો ઊતરું તેમ નથી. જો તે પોતાના મોટાપણાંને ભૂલીને અનુચિત વ્યવહાર કરે તો હું ચૂપ રહી શકીશ નહી. હું બતાવી દઈશ ભરતને કે મારા પર આક્રમણ કરવું કેટલું અનુચિત છે?

ભરત વિરાટ સેના લઈને બાહુબલી સાથે યુદ્ધ કરવા, `બહલી' દેશની સીમા ઉપર પહોંચી ગયા અને બાહુબલી પણ પોતાની નાની સેનાને સજાવીને યુદ્ધ મેદાનમાં આવી ગયા. બાહુબલીના વીર સૈનિકોએ ભરતની વિરાટ સેનાના છક્કા છોડાવી દીધા. લાંબા વખત સુધી યુદ્ધ ચાલતું રહ્યું પણ ન તો ભરત જીત્યો કે ન બાહુબલી. હાર-જીતનો કોઈ ફેંસલો ન થયો. આખરે બાહુબલીએ આટલા બધા માનવોનું રક્ત વહેતું જોઈને નરસંહાર બંધ કરીને દ્વંદ્વયુદ્ધ માટે આમંત્રિત કર્યા. દૃષ્ટિયુદ્ધ, વાક્યુદ્ધ, બાહુયુદ્ધ મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ નિશ્ચિત થયાં. બધામાં સમ્રાટ ભરત પરાજિત થયા અને બાહુબલી વિજયી થયા. ભરતને પોતાના નાના ભાઈથી પરાજિત થવું ખૂબજ ખટક્યું આવેશમાં આવીને અને મર્યાદાને વિસ્મૃત કરીને બાહુબલીનો શિરચ્છેદ કરવા માટે ભરતે ચક્રનો પ્રયોગ કર્યો. તે જોઈને બાહુબલીનું લોહી ઊકળી ઊઠ્યું. બાહુબલીએ ઊછળીને ચક્રને પકડવાનું નક્કી કર્યું પણ ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને ફરી ભરતની પાસે પાછું ભર્યું. તે બાહુબલીનો વાળ પણ વાંકો ન કરી શક્યું. તે જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. બાહુબલીની બિરુદાવલીઓથી પૃથ્વી અને આકાશ ગૂંજી ઊઠ્યાં. ભરત પોતાના દુષ્કૃત્ય ઉપર લજ્જિત થઈ ગયા.

ભાઈ ભરતની ભૂલ ભુલાવવા માટે લાખો કંઠોથી એવી સ્વર લહેરીઓ ફૂટી પડી કે-"સમ્રાટ ભરતે તો ભૂલ કરી છે પરંતુ આપ ભૂલ ન કરો. નાનાભાઈ દ્વારા મોટાભાઈની હત્યા અનુચિત જ નહિ, અત્યન્ત અનુચિત છે. મહાન પિતાના પુત્ર પણ મહાન હોય છે, ક્ષમા કરો. ક્ષમા કરનારા કદી નાના બનતા નથી." બાહુબલીનો રોષ ઓછો થયો. હૃદય પ્રબુદ્ધ થયું. કુળ મર્યાદા અને યુગની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તેઓ ચિંતનમગ્ન થઈ ગયા. ભરતને મારવા માટે ઉપડેલો હાથ ભરત ઉપર નહિ પડતાં પોતાના શિર ઉપર પડ્યો અને લોચ કરીને શ્રમણ બની ગયા. રાજ્યને ઠોકર મારીને પિતાના ચરણચિહ્નો ઉપર ચાલી નીકળ્યા.

25 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 18 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 18


➽અઠ્ઠાણુ ભાઈઓની દીક્ષા: શ્રી ઋષભદેવ, તેમના સો પુત્રોને જુદાં જુદાં રાજ્ય આપીને શ્રમણ બન્યા હતા. સમ્રાટ્ ભરત ચક્રવર્તી બનવા માગતા હતા. તેમણે પોતાના નાના ભાઈઓને પોતાને આધીન કરવા માટે તેમની પાસે દૂતોને મોકલ્યા. અઠ્ઠાણુંએ ભાઈઓએ મળીને પરસ્પર મસલત કરી પરંતુ તેઓ નિર્ણય ઉપર ન પહોંચી શક્યા. તે વખતે ભગવાન અષ્ટાપદ તરફ વિચરી રહેલ હતા. તે બધા ભગવાન શ્રી ઋષભદેવની પાસે પહોંચ્યા. સ્થિતિનો પરિચય આપતાં નિવેદન કર્યું-"પ્રભો! આપના દ્વારા અપાયેલ રાજ્ય ઉપર ભાઈ ભરત લલચાઈ રહ્યા છે, તે અમારું રાજ્ય લઈ લેવા માગે છે. શું યુદ્ધ કર્યા વિના અમે તેને રાજ્ય આપી દઈએ? જો આપી દઈએ તો તેની સામ્રાજ્ય-લિપ્સા વધી જશે અને અમે પરાધીનતાના ખાડામા ડૂબી જઈશું. જો અમે અમારા મોટાભાઈ સાથે યુદ્ધ કરીએ તો ભાતૃ-યુદ્ધની એક અનુચિત પરંપરાનો પ્રારંભ થઈ જશે તેથી અમારે શું કરવું યોગ્ય છે?"

ભગવાન બોલ્યા- "પુત્રો! તમારું ચિંતન બરાબર છે. યુદ્ધ પણ ખરાબ છે અને કાયર બનવું તે પણ ખરાબ છે. યુદ્ધ એટલા માટે ખરાબ છે કે તેના અંતમાં વિજેતા તેમજ પરાજિત બન્નેને સંતાપ તેમજ નિરાશા મળે છે. પોતાની સત્તા ગુમાવીને પરાજિત પસ્તાય છે અને કાંઈ નહિ મળવાથી વિજેતા પસ્તાય છે. કાયર બનવાની પણ હું તમને સલાહ આપી શકતો નથી. હું તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય.

ભગવાનની આશ્વાસનભરી વાણી સાંભળીને બધાંના મુખકમળ ખીલી ઊઠ્યાં. મનમયૂર નાચવા લાગ્યા. તેઓ અનિમેષ (એકી નજરે) દૃષ્ટિથી ભગવાનને નિહાળવા લાગ્યા. ભગવાનની ભાવનાને તેઓ સ્પર્શી શક્યા નહિ. તે તેમની કલ્પનામાં ન આવી શક્યું કે ભૌતિક રાજ્ય સિવાય પણ કોઈ રાજ્ય હોઈ શકે છે. તે ભગવાન દ્વારા બતાવાયેલા રાજ્ય મેળવવા વ્યગ્ર બની ગયા. તેમની તીવ્ર લાલસા જોઈને ભગવાન બોલ્યા-"એક લાકડા કાપનારો માણસ હતો. તે ભાગ્યહીન અને મૂર્ખ હતો. પ્રતિદિન ભરણપોષણ કરતો. એક વખત તે સખત ઉનાળામાં અસહ્ય ગરમીમાં થોડું પાણી લઈને જંગલમાં ગયો અને સૂકાં લાકડાં એકઠા કરીને કોયલા બનાવવા માટે તેમાં આગ લગાડી દીધી.

અસહ્ય ધગધગતી ગરમી અને પ્રચંડ જ્વાલાના કારણે તેને ઘણી તરસ લાગી. તે પોતાની સાથે જે પાણી લાવ્યો હતો તે પી ગયો પરંતુ તેની તૃષા છીપી નહિ. આમ તેમ જંગલમાં પાણીની તપાસ કરી પરંતુ કોઈ જગ્યાએ પાણી મળ્યું નહિ. પાસે કોઈપણ ગામ હતું નહિ, તરસથી ગળું સુકાઈ જતું હતું, ગભરાટ વધી રહ્યો હતો. તે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. નિદ્રા આવી ગઈ. તેણે સ્વપ્ન જોયું કે ઘરમાં જેટલું પણ પાણી છે તે પી ગયો છે તો પણ તરસ મટી નહિ, કૂવા ઉપર ગયો અને ત્યાંનું બધું પાણી પીતાં ગયો તો પણ તરસ છીપી નહિ, નદી-નાળાં અને ઝરણાંના પાણી પીતાં પીતાં સમુદ્ર તટે પહોંચ્યો. બધું પાણી પી જવા છતાં પણ તેની તરસ ઓછી ન થઈ. તરસથી તરફડતો તે સમુદ્ર કાંઠે ભીના થયેલા ઘાસને નીચોવીને તરસ મટાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં તેની ઊંઘ ઊડી ગઈ."

પ્રસ્તુત રૂપકનો ઉપસંહાર કરતાં ભગવાને કહ્યું-"શું પુત્રો! તે ભીના થયેલા ઘાસને નીચોવી પીવાથી તેની તૃષા શાંત થઈ શકે ખરી?"

પુત્રોએ કહ્યું: "નહિ ભગવન્!"

ભગવાને પોતાના અભિપ્રાય તરફ પુત્રોને આકૃષ્ટ કરતાં કહ્યું:- `ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાનો પ્રયાસ પણ ભીના થયેલા ઘાસને નીચોવી પીવા સમાન છે. સ્વર્ગીય સુખોથી પણ જેની તૃષ્ણા શાંત ન થઈ તે આવા તુચ્છ અને અલ્પકાળનાં રાજ્યથી શાંત થાય તે કઈ રીતે સંભવિત છે? તેથી સંબોધિ પ્રાપ્ત કરો. વસ્તુતઃ ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખોથી આધ્યાત્મિક સુખ ઉત્તમ છે, તેને ગ્રહણ કરો. તેમાં ન કાયરતાની જરૂર છે કે ન યુદ્ધનો પ્રસંગ છે. જ્યાં સુધી સ્વરાજ્ય મળતું નથી ત્યાં સુધી પર-રાજ્યની અભિલાષા રહે છે. સ્વરાજ્ય મળી જતાં પરરાજ્યનો મોહ રહેતો નથી." ભગવાનના ઉપદેશથી પ્રભાવિત થઈને અઠ્ઠાણુએ ભાઇઓએ રાજ્ય ત્યાગી સંયમ ગ્રહણ કરી લીધું. ભરતને આ ખબર મળતાંજ તેઓ દોડ્યા-દોડ્યા આવ્યા. ભાતૃ-પ્રેમથી તેની આંખો ભીની થઈ ગઈ પણ તેની ભીની આંખો અઠ્ઠાણુ ભાઈઓને સંયમના પંથથી વિચલિત ન કરી શકી. ભરત નિરાશ થઈને પોતાને ઘેર પાછા ફર્યા.

17 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 17 | JAIN STUTI STAVANભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 17


પ્રથમ ધર્મચક્રવર્તી: ભગવાન ઋષભદેવનું પ્રથમ પ્રવચન ફાગણ વદ ૧૧ નું થયું. તે સાંભળીને સમ્રાટ ભરતના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ તથા બ્રાહ્મી વગેરેએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભરત વગેરેએ શ્રાવકવ્રત ગ્રહણ કર્યા અને સુંદરી પણ શ્રાવિકા બની. આ રીતે શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થની સંસ્થાપના કરીને તેઓ સર્વપ્રથમ તીર્થંકર બન્યા. શ્રમણ ધર્મને માટે પાંચ મહાવ્રત અને ગૃહસ્થ ધર્મને માટે બાર વ્રતોનું નિરૂપણ કર્યું. તેથીજ ભગવાન ઋષભદેવને ધર્મનું મુખ કહેલ છે.

ભગવાનના પ્રથમ ગણધર સમ્રાટ ભરતના પુત્ર ઋષભસેન થયા. તેમણે જ સર્વપ્રથમ ભગવાને આત્મવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. ભગવાનને કેવળજ્ઞાનની સૂચના મળતાંજ પૂર્વે દીક્ષિત થયેલા શ્રમણો કે જેઓ ક્ષુધા-પિપાસાથી પીડીત થઈને તાપસ બની ગયા હતા, તેઓ ભગવાનની સેવામાં આવી ગયા. તેમણે પુનઃવિધિવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. માત્ર કચ્છ અને સુકચ્છ જ એવા હતા કે જેઓ આવ્યા નહિ.
સુંદરીનો સંયમ: ભગવાન શ્રી ઋષભના પ્રથમ પ્રવચનને સાંભળીને સુંદરી પણ સંયમ ગ્રહણ કરવા ઇચ્છતી હતી. તેણીએ એ ભવ્ય ભાવના અભિવ્યક્ત પણ કરી પરંતુ સમ્રાટ્ ભરત દ્વારા આજ્ઞા પ્રાપ્ત ન થવાથી તે શ્રાવિકા બની. તેના અંતરમાં વૈરાગ્યનો સાગર ઉછાળા મારી રહેલ હતો. તે શરીરથી ગૃહસ્થાશ્રમમાં હતી પણ તેનું મન સંયમમાં રમી રહેલ હતું. ષટ્ખંડ ઉપર વિજય-ધ્વજા ફરકાવીને જ્યારે સમ્રાટ્ ભરત દીર્ઘકાળ પછી વિનીતા પાછા ફર્યા ત્યારે સુંદરીના કૃશ શરીરને દેખીને તે ચકિત થઈ ગયા. પ્રશ્ન કરવાથી ખબર પડી કે એવી અવસ્થા જે દિવસથી દીક્ષાગ્રહણનો નિષેધ કરવામાં આવ્યો હતો તે દિવસથી નિરંતર આકરા વ્રત કરવાથી થઈ છે. સુંદરીની સંયમ લેવાની પ્રબળ ભાવના જોઈને ભરતે અનુમતિ પ્રદાન કરી અને સુંદરીએ ઋષભદેવની આજ્ઞાનુવર્તિની બ્રાહ્મીની પાસે દીક્ષા ગ્રહણ કરી.

ideamage