Followers

Showing posts with label Jain Stuti Stavan. Show all posts
Showing posts with label Jain Stuti Stavan. Show all posts

19 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 3 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ – 3

SHREE AADINATH CHARITRA (BHAG) - 3 


(૫) લલિતાંગ દેવ- ત્યાંથી ધન્ના સાર્થવાહનો જીવ ઈશાન કલ્પમાં લલિતાંગ દેવ બન્યો. ત્યાં સ્વયંપ્રભા દેવીમાં તે એટલો આસક્ત થઈ ગયો કે સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થવાથી લલિતાંગદેવ તેના વિરહમાં આકુળ-વ્યાકુળ બની ગયો. ત્યારે સ્વયંબુદ્ધ અમાત્યનો જીવ કે જે તે જ કલ્પમાં દેવ થયો હતો તેણે આવીને તેમને સાંત્વના આપી અને સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી ચ્યવીને માનવલોકમાં નિર્યામિકા નામની બાલિકા બની. કેવળીના ઉપદેશથી શ્રાવિકા બનીને આયુષ્ય પૂર્ણ કરી, ફરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી બની. લલિતાંગદેવ ફરી તેનામાં આસક્ત થઈ ગયો. જીવનના અંતમાં નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં જીવન પૂર્ણ કર્યું.

(૬) વજ્રજંઘઃ ત્યાંથી ચ્યવીને લલિતાંગદેવનો જીવ જંબૂદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલા નગરના અધિપતિ સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. અહિં તેમનું વજ્રજંઘ નામ આપવામાં આવ્યું.સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પુંડરીકિની નગરીમાં વજ્રસેન રાજાની પુત્રી `શ્રીમતી' થઈ.
એક વખત શ્રીમતી મહેલની છત ઉપર ઘૂમી રહેલ હતી. તે સમયે પાસેના એક ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થયું. તેના મહોત્સવ નિમિત્તે દેવ-ગણ આકાશમાર્ગથી જઈ રહેલ હતો. આકાશમાર્ગથી જતા દેવસમૂહને નિહાળીને શ્રીમતીને પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તેણે તે સ્મૃતિ એક ચિત્રપટ પર અંકિત કરી. પંડિતા પરિચારિકા તે ચિત્રપટ લઈને રાજમાર્ગ ઉપર કે જ્યાં ચક્રવર્તી વજ્રસેનની વર્ષગાંઠ મનાવવાના હેતુથી અનેક દેશોના રાજકુમારો આવ-જા કરી રહેલ હતા ત્યાં ઊભી રહી ગઈ. વજ્રજંઘ રાજકુમારે જેવું તે ચિત્ર જોયું તેવું જ તેને પણ પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ ગઈ. ચિત્રપટ્ટનું આખું ઇતિ-વૃત્ત પંડિતા પરિચારિકાને બતાવ્યું. પરિચારિકાએ શ્રીમતીને અને ફરી શ્રીમતીની પ્રેરણાથી ચક્રવર્તી વજ્રસેનને પરિચય આપીને શ્રીમતીનું વજ્રજંઘ સાથે પાણિગ્રહણ કરાવ્યું.
શ્રીમતીના પિતા વજ્રસેને સંયમ લીધો ત્યારે સીમાડાના રાજા સમ્રાટ પુષ્કરપાલની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગ્યા. વજ્રજંઘ તેની સહાયતા માટે ગયા અને શત્રુઓ ઉપર વિજયપતાકા લહેરાવીને જ્યારે તેઓ પાછા પોતાની રાજધાનીમાં ફરી રહ્યા હતા ત્યારે તેને જાણ થઈ કે આ અરણ્યમાં બે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમના દિવ્ય પ્રભાવથી દૃષ્ટિવિષ સર્પ પણ નિર્વિષ થઈ ગયો છે. આથી વજ્રજંઘ મુનિઓનાં દર્શન કરવા માટે ગયા. ઉપદેશ સાંભળી વૈરાગ્ય થયો. પુત્રને રાજ્ય સોંપીને સંયમ ગ્રહણ કરીશ તે ભાવનાની સાથે ત્યાંથી પ્રસ્થાન કરીને રાજધાનીમાં પહોંચ્યા. અહીં પુત્રે વિચાર્યું કે પિતાજી જીવતાં મને રાજ્ય આપશે નહિ. તેથી રાજ્યલોભમાં ફસાઈને તેણે તે રાતે વજ્રજંઘના મહેલ ઉપર ઝેરીલો ધુમાડો ફેલાવ્યો કે જેની ગંધથી વજ્રજંઘ અને શ્રીમતી બંને મૃત્યુને પ્રાપ્ત થઈ ગયાં.

(૭) યુગલિક: ત્યાંથી બંને આયુષ્ય પૂર્ણ કરીને ઉત્તરકુરુમાં યુગલ-યુગલિની બન્યા.

(૮) સૌધર્મકલ્પ: ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં દેવ બન્યા.

(૯) જીવાનંદ વૈદ્ય: ત્યાંથી ચ્યવીને ધન્ના સાર્થવાહનો જીવ જીવાનંદ વૈદ્ય બન્યો. તે વખતે ત્યાં પાંચ અન્ય જીવો પણ ઉત્પન્ન થયા. (૧) રાજાના પુત્ર મહીધર (૨) સંત્રીપુત્ર-સુબુદ્ધિ (૩) સાર્થવાહનો પુત્ર પૂર્ણચંદ્ર (૪) શ્રેષ્ઠીપુત્ર ગુણાકર (૫) ઈશ્વરદત્ત પુત્ર કેશવ (જે શ્રીમતીનો જીવ હતો.) આ છએ મિત્રોમાં દૂધ-પાણી જેવો પ્રેમ હતો.પોતાના પિતાની માફક જીવાનંદ વૈદ્ય પણ આયુર્વેદ વિદ્યામાં પ્રવીણ હતા. તેમની પ્રતિભાની તેજસ્વિતાથી બધા પ્રભાવિત થતાં. એક દિવસ બધા સ્નેહી-સાથી વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં ત્યાં એક દીર્ઘ તપસ્વી મુનિ ભિક્ષા માટે આવ્યા. તેઓ કૃમિ-કુષ્ઠની ભયંકર વ્યાધિથી ઘેરાયેલા હતા. સમ્રાટપુત્ર મહીધરે જીવાનંદને કહ્યું: "મિત્રવર! આપ અન્ય ગૃહસ્થ લોકોની ચિકિત્સા કરવામાં દક્ષ છો પરંતુ કૃમિકુષ્ઠ રોગથી ઘેરાયેલ આ તપસ્વી મુનિને નિહાળીને પણ તેમની ચિકિત્સા માટે પ્રવૃત્ત કેમ થતા નથી?"જીવાનંદ:-"મિત્ર, તમારું કથન સત્ય છે પણ મારી પાસે લક્ષપાક તેલ સિવાય અન્ય આવશ્યક ઔષધિઓ ઉપલબ્ધ નથી."તેમણે કહ્યું:- "બતાવો! કઈ ઔષધીઓ જોઈએ છે? અમે તેનું મૂલ્ય ચુકવશું, ગમે ત્યાંથી લાવવા પ્રયાસ કરીશું."જીવાનંદ:- "બે વસ્તુઓ જોઈએ: એક રત્નકંબલ અને બીજું ગોશીર્ષચંદન."પાંચેય મિત્રો ઔષધિ લાવવા માટે એક વેપારીની દુકાને પહોંચ્યા. શેઠે કહ્યું: "પ્રત્યેક વસ્તુનું મૂલ્ય એક લાખ દીનાર છે." તેઓ તેટલું મૂલ્ય ચુકવવા જેવા તૈયાર થયા તેવો જ શેઠે પ્રશ્ન કર્યો કે "આવી અમૂલ્ય વસ્તુઓ કોના માટે જોઈએ છે?" તેમણે કહ્યું: "મુનિની ચિકિત્સા માટે." મુનિનું નામ સાંભળીને તે બન્ને વસ્તુઓ કાંઈ પણ મૂલ્ય લીધા વિના શેઠે આપી દીધી. તેઓ તે વસ્તુઓ લઈને વૈદ્યની પાસે ગયા.સાથીઓની સાથેજ જીવાનંદ વૈદ્ય ઔષધીઓ લઈને મુનિની પાસે ગયા. મુનિ ધ્યાનમુદ્રામાં લીન હતા. મુનિની સ્વીકૃતિ લીધા વિના જ, મુનિને આરોગ્યપ્રદાન કરવાના હેતુથી તેઓએ તેલનું મર્દન કર્યું, ઉષ્ણવીર્ય તેલના પ્રભાવથી કૃમિઓ બહાર નીકળવા લાગ્યા તેથી રત્નકંબલથી તેમના શરીરને ઢાંકી દીધું જેથી કૃમિઓ રત્નકંબલમાં આવી ગયા. તે પછી રત્નકંબલની કૃમિઓને ગો-ચર્મમાં મૂકી દીધી. ફરીને મર્દન કર્યું તો માંસમાંથી કૃમિઓ નિકળી ગઈ. ત્રીજી વારના મર્દનથી અસ્થિગત કૃમિઓ નીકળી ગઈ. ત્યાર પછી ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો જેને લીધે મુનિ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા. છએ મિત્રો મુનિની સ્વસ્થતા જોઈને ઘણાજ પ્રમુદિત થયા.છએ મિત્રોને સંસારથી વિરક્તિ થઈ. તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ તપસાધના કરી.

(૧૦) બારમા દેવલોકમાં- ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને બારમા અચ્યુત દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા.

(૧૧) વજ્રનાભ- જીવાનંદનો જીવ ત્યાં આયુષ્ય પૂર્ણ કરી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના અધિપતિ વજ્રસેન રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. માતાએ ચૌદ મહાસ્વપ્નો દેખ્યાં. જન્મ થતાં પુત્રનું નામ વજ્રનાભ રાખવામાં આવ્યું. પૂર્વના પાંચેય સાથીઓમાંથી ચાર તો અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ તેમના ભાઈ થયા અને એક તેમનો સારથિ થયો.વજ્રનાભને રાજ્ય આપીને વજ્રસેને સંયમ ગ્રહણ કર્યું અને ઉત્કૃષ્ટ સંયમસાધના કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું, તેઓ તીર્થંકર બન્યા. સમ્રાટ વજ્રનાભે પણ ચક્રરત્ન ઉત્પન્ન થતાં ષટ્ખંડનો વિજય કરીને ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુદી ષટ્ખંડનું રાજ્ય કર્યું અને અંતે પિતા વજ્રસેનના ઉપદેશપ્રદ પ્રવચનો સાંભળીને વિરક્તિ થઈ, આગમોનું ગંભીર ચિંતન, મનન કર્યું. ઉત્કૃષ્ટ તપની સાધના કરી તેથી અનેક ચમત્કારવાળી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંતમાં માસિક સંલેખનાપૂર્વક પાદપોપગમન સંથારો કરી, સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.અહીં યાદ રાખવું જોઈએ કે વજ્રનાભના બાકીના ચારેય નાના ભાઈઓએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તેમાંથી બાહુમુનિ મુનિઓની વૈયાવૃત્ય કરતા અને સુબાહુમુનિ પરિશ્રાંત મુનિઓને વિશ્રામણા આપતા અર્થાત્ થાકેલા મુનિઓના અવયવોનું મર્દન વગેરે રૂપ અંતરંગ સેવા કરતા. બન્નેની સેવાભક્તિ નિહાળીને વજ્રનાભ ખૂબ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરતાં કહ્યું, તમે સેવા અને વિશ્રામણા દ્વારા તમારા જીવનને સફળ કરેલ છે.મોટા ભાઈ દ્વારા પોતાના બીજા ભાઈઓની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિના અંતરમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે અમે સ્વાધ્યાય વગેરેમાં તન્મય રહીએ છીએ. અમારી કોઈ પ્રશંસા કરતું નથી પરંતુ વૈયાવૃત્ય કરવાવાળાઓની પ્રંશંસા થાય છે. આ રીતે મનમાં ઇર્ષ્યા ઉત્પન્ન થઈ, તે ઈર્ષ્યાબુદ્ધિથી અને માયાની તીવ્રતાથી મિથ્યાત્વ આવ્યું અને સ્ત્રીવેદનો બંધ પડ્યો. કરેલા દોષની આલોચના કરી નહિ. જો નિઃશલ્ય થઈને આલોચના કરત તો જીવન અવશ્ય વિશુદ્ધ બનત.

(૧૨) સર્વાર્થસિદ્ધમાં: ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને વજ્રનાભ વગેરે પાંચેય ભાઈઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ સુધી સુખના સાગરમાં નિમગ્ન રહ્યા.

(૧૩) ઋષભદેવ: ત્યાંથી સર્વ પ્રથમ આયુષ્ય પૂર્ણ કરીને વજ્રનાભનો જીવ, ભગવાન ઋષભદેવ થયો. બાહુમુનિનો જીવ વૈયાવૃત્યના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના રૂપમાં જન્મ્યો. સુબાહુ મુનિનો જીવ મુનિઓને વિશ્રામણા દેવાથી વિશિષ્ટ બાહુબળના અધિપતિ ઋષભદેવનો પુત્ર બાહુબલી થયો. પીઠ, મહાપીઠના જીવે કૃતદોષોની આલોચના ન કરવાથી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી થઈ અને સાર્થિનો જીવ શ્રેયાંસકુમાર થયો.

ક્રમશ..........

18 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 2 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ – 2SHREE AADINATH CHARITRA (BHAG) - 2

આચાર્ય પણ સાર્થની સાથે રસ્તો પાર કરતા આગળ વધી રહ્યા હતા. વર્ષાઋતુ આવી. આકાશમાં ઊભરાઈ ઊભરાઈને ઘનઘોર ઘટા છવાવા લાગી અને રિમઝિમ વરસાદ વરસવા લાગ્યો. તે વખતે સાર્થ (સંઘ) ભયાનક અટવીમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તો કાદવથી ભરેલો હતો. સાર્થ તે અટવીમાં વર્ષાવાસ વ્યતીત કરવા માટે રોકાઈ ગયો. આચાર્ય પણ નિર્દોષ સ્થાનમાં સ્થિત થઈ ગયા.
તે અટવીમાં સાર્થને ધાર્યા કરતાં વધારે રોકાઈ જવું પડ્યું. તેથી સાર્થની ખાદ્યસામગ્રી સમાપ્ત થઈ ગઈ. ભૂખથી પીડાઈને સાર્થના લોકો અરણ્યમાં કંદમૂળ વગેરેનું અન્વેષણ કરી જીવન વ્યતીત કરવા લાગ્યા.

વર્ષાવાસના ઉપસંહાર કાળમાં ધન્ના સાર્થવાહને અચાનક સ્મૃતિ આવી કે મારી સાથેના જે આચાર્ય-પ્રવર આવ્યા હતા, મેં તેનો ખ્યાલજ ન કર્યો. તેમના આહારની શી વ્યવસ્થા હશે? તે તરતજ આચાર્યની પાસે ગયા અને આહારની અભ્યર્થના કરી. આચાર્યે તેને કલ્પ્ય અકલ્પ્યની સમજણ આપી. કલ્પ્ય અકલ્પ્યનું પરિજ્ઞાન કરીને તેણે ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રાસુક વિપુલ ઘીનું દાન દીધું. શુદ્ધ ભાવનાના ફળસ્વરૂપે સમ્યક્ત્વની ઉપલબ્ધિ થઈ.

(૨) ઉત્તરકુરુમાં મનુષ્ય: ત્યાંથી ધન્ના સાર્થવાહનો જીવ આયુષ્ય પૂરું કરીને દાનના પ્રભાવથી ઉત્તરકુરુમાં મનુષ્ય થયો.
(૩) સૌધર્મ દેવલોક: ત્યાંથી ધન્ના સાર્થવાહનો જીવ સૌધર્મ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો.
(૪) મહાબલ: ત્યાંથી ચ્યવીને ધન્ના સાર્થવાહનો જીવ પશ્ચિમ મહાવિદેહના ગંધિલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વતની વિદ્યાધર શ્રેણીના અધિપતિ શતબલ રાજાનો પુત્ર મહાબલ થયો. મહાબલના પિતા સંસારથી વિરક્ત થઈ પુત્રને રાજ્ય કારભાર સોંપીને સ્વયં શ્રમણ બની ગયા.

એક વાર સમ્રાટ મહાબલ પોતાના પ્રમુખ અમાત્યોની સાથે રાજસભામાં બેસીને મનોવિનોદ કરી રહેલ હતા. ત્યારે સ્વયંબુદ્ધ અમાત્યે રાજાને ધર્મનો મર્મ સમજાવ્યો, રાજા પુત્રને રાજ્ય સોંપીને મુનિ બન્યા. દુષ્કૃત્યોની આલોચના કરી અને બાવીસ દિવસનો સંથારો કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.

ક્રમશ..........

17 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 1 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 1

Shree Aadinath Charitra (Bhag 1) 

ભગવાન શ્રી ઋષભદેવના જીવને સર્વ પ્રથમ ધન્ના સાર્થવાહના ભવમાં સમ્યગ્દર્શનનો આલોક પ્રાપ્ત થયો હતો. તે વખતે તેઓ મિથ્યાત્વથી મુક્ત થયા હતા તેથી ઋષભદેવના તેર પૂર્વ ભવો આ પ્રમાણે છે.

(૧) ધન્ના સાર્થવાહ: ભગવાન શ્રી ઋષભદેવનો જીવ એક વખત અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ થયો. તેની પાસે વિપુલ વૈભવ હતો. તે ઘણે દૂર વિદેશોમાં વ્યાપાર કરતો હતો. એક વખત તેણે એવી ઉદ્ઘોષણા કરાવી કે જેમને વસંતપુર વ્યાપાર અર્થે ચાલવું હોય તે મારી સાથે ચાલે. હું તેમને બધી જાતની સગવડ આપીશ. સૈંકડોની સંખ્યામાં લોકો વ્યાપાર અર્થે તેમની સાથે રવાના થયા.

ધર્મઘોષ આચાર્ય, શિષ્યોની સાથે વસંતપુર ધર્મ પ્રચાર અર્થે જવા માગતા હતા. વિકટ સંકટમય રસ્તો હોવાથી સાર્થ વિના જવું અસંભવ હતું. ઉદ્ઘોષણા સાંભળીને આચાર્ય શ્રેષ્ઠીની પાસે ગયા અને સાથે ચાલવાની ભાવના અભિવ્યક્ત કરી.

શ્રેષ્ઠીએ પોતાના ભાગ્યની પ્રશંસા કરતાં અનુચરોને આદેશ આપ્યો કે શ્રમણોને માટે ભોજન વગેરેની સગવડોનું પૂર્ણ ધ્યાન રાખવું. આચાર્યે શ્રમણાચારનું વિશ્લેષણ કરતાં બતાવ્યું કે શ્રમણને માટે ઔદ્દેશિક, આધાકર્મિક વગેરે દોષયુક્ત આહાર નિશિદ્ધ છે. તે વખતે એક અનુચર કેરી લઈને આવ્યો. શ્રેષ્ઠીએ કેરી ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી. આચાર્યે બતાવ્યું કે જૈન શ્રમણને માટે સચિત્ત પદાર્થ પણ અગ્રાહ્ય છે. શ્રમણની કઠોર ચર્યા સાંભળીને શ્રેષ્ઠી શ્રદ્ધાવાન બની ગયા.


ક્રમશ..........

16 May 2019

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો અદભુત ઈતિહાસ | JAIN STUTI STAVAN


શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો અદભુત ઈતિહાસ


શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો ઈતિહાસ

સં. ૧૭૫૦નું વર્ષ હતું. શ્રી ઉદયરત્નજીવાચકે એકદા શ્રી સંઘને ઉપદેશ આપ્યો કે આપણે સૌ શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા જવાનું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને જીવન પાવન કરવાનું છે. આત્માનો ઉઘ્ધાર કરવાનો છે. શ્રી સંઘે આ વાત સહર્ષ સ્વીકારી લીધી. ખેડાના શ્રી સંઘમાં આનંદ વ્યાપી ગયો. જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ. ઢોલનગારા વાગવા માંડ્યા. શહેનાઈઓ ગુંજી ઊઠી. ચાંદીના રથ સાથે અશ્વો જોડવામાં આવ્યા. બળદગાડાઓ તૈયાર થયા. ઊંટગાડાઓ તૈયાર થયા. સાજન-માજનનો કલશોર ગાંજી ઊઠ્યો. સંઘ પ્રયાણના દિવસે ખેડાના શ્રી સંઘમાં ઘરે ઘરે તોરણ બાંધવામાં આવ્યા. દીપકો પ્રગટાવવામાં આવ્યા. સૌના હૃદયમાં અપાર હર્ષ વ્યાપી વળ્યો. પંડિત ઉદયરત્નજી વાચકની નિશ્રામાં શ્રી સંઘ ગામે ગામથી પ્રયાણ કરીને આગળ વઘ્યો. ગામે ગામ જિનદર્શન, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ ઈત્યાદી કરતાં કરતાં સૌ શંખેશ્વર પહોંચ્યા. શ્રી શંખેશ્વર તીર્થમાં આજે જે ભવ્ય જિનાલય નિહાળવા મળે છે તે સમયે નહોતું. તે સમયે જિનમંદિર મુસ્લિમોના હાથે નાશ પામ્યું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ગામના ઠાકોરના કબ્જામાં હતી.
શંખેશ્વર ગામનો ઠાકોર ભારે લોભી માણસ હતો. જે દર્શન કરવા આવે તેની પાસે તે એક ગીનીનો કર લેતો. ભાવિકજનો પ્રભુના દર્શન માટે કર ચૂકવતા. શ્રી ઉદયરત્નજીવાચક શ્રી સંઘ સાથે શંખેશ્વર પહોંચ્યા. શ્રી ઉદયરત્નજીવાચકને જણાવવામાં આવ્યું કે પ્રભુજીની પ્રભાવક પ્રતિમા ઠાકોરના કબ્જામાં છે. શ્રી સંઘના આગેવાનોએ કહ્યું કે અમે ઠાકોરને મળીને આવીએ અને તેના કહ્યા મુજબ કરવેરો ચુકવી દઈએ પછી પ્રભુજીના દર્શન કરીએ.


આ સાંભળીને શ્રી ઉદયરત્નજી નારાજ થઈ ગયા. શ્રી ઉદયરત્નજીએ કહ્યું ‘પ્રભુજીની પ્રતિમા જૈન સંઘની સંપત્તિ છે. એ પ્રતિમાના દર્શન કરવા માટે કોઈ કરવેરો ચૂકવવાનો ન હોય. મારે ઠાકોરને મળવું છે.’ શ્રી સંઘના આગેવાનો ઠાકોરને શ્રી ઉદયરત્નજી પાસે તેડી લાવ્યા. ઠાકોર કહે ‘પ્રતિમાની માલિકી મારી છે. તમારે મને કર ચૂકવવો પડે.’
ઉપાઘ્યાયજી કહે ‘ભગવાનની પ્રતિમા જૈન સંઘની છે. એના દર્શન કરવાનો હક્ક જૈનોનો અબાધિત છે. પ્રભુના દર્શનનો કર ન હોય. તમે અમને દર્શન કરવા દો.’
વાત વટ પર ચડી ગઈ.ઠાકોર ન માન્યા.
ઉપાઘ્યાયજી કહે ‘અમે પ્રભુની સ્તુતિ કરીશું. પ્રભુજી અમને સ્વયં દર્શન આપશે. જો આમ બને તો તમારે આજથી કરવેરો લેવાનો નહીં. બોલો કબૂલ ?’ ઠાકોરે હામી ભણી.
બંધ દરવાજા પાસે સકળ શ્રી સંઘ સાથે શ્રી ઉદયરત્નજીવાચકે ભગવાનનું સ્તવન ગાવાનું શરૂ કર્યું. સૌએ તેમાં સૂર પુરાવવા માંડ્યોઃ


પાસ શંખેશ્વરા ! સાર કર સેવકાં
દેવ કાં એવડી વાર લાગે ?
કોડી કર જોડી દરબાર આગે ખડા
ઠાકુરાં ચાકુરાં માન માગે !
પ્રગટ થા પાસજી ! મેલી પડદો પરો
મોડ અસુરાણને આપ છોડો.
મુજ મહીરાણ મંજુસમાં પેસીને
ખલકના નાથજી ! બંધ ખોલો !


શ્રી ઉદયરત્નજીના મઘુર અને બુલંદ કંઠે જેમ જેમ સ્તવન ગવાતું ગયું તેમ તેમ આકાશની હવા પલટાઈ ગઈ. નાગરાજ ધર્ણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થયા. બંધ દરવાજા આપોઆપ ખુલી ગયા. લોકોએ ગગનભેદી જયનાદ કર્યો. ઠાકોરે તે દિવસથી કર લેવાનો બંધ કર્યો. પ્રભુજીની પ્રતિમા જૈન સંઘને સોંપી દીધી.

આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી
ગુજરાત સમાચાર

15 May 2019

જૈન શાસન નું સ્થાપના દિવસ | JAIN STUTI STAVAN

જૈન શાસન નું સ્થાપના દિવસ અને 
ગુરુ ગૌતમ સ્વામીનો ગણધર પદનો દિવસ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰


👉સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી 
અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા.

👉બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન 
બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની 
જાતને સર્વજ્ઞ માનતા હતા.

👉એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે 
અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા,

👉ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં?
 આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.' તેઓ ૫૦૦ શિષ્યો 
સાથે ત્યાં પહોંચ્યા,

👉પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને 
નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?' 
એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે'
 એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ.

👉ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે 
ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ
 વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા.

👉તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (૪૪૦૦) શિષ્યો સાથે તેઓ પણ 
દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં
 રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને 
ગણધરપદે સ્થાપિત કર્યા. 

👉પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની 
પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા 
દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.ideamage