Followers

Showing posts with label SHREE AADINATH CHARITRA. Show all posts
Showing posts with label SHREE AADINATH CHARITRA. Show all posts

20 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 4 | JAIN STUTI STAVANગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ – 4

SHREE AADINATH CHARITRA (BHAG) - 4 

કૌશલિક અર્હંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં માતા મરુદેવીના ગર્ભાશયમાં ભગવાનનો ગર્ભ સ્થાપિત થયા બાદ ગર્ભના પુણ્યપ્રભાવે અખિલ વિશ્વનાં નારીવૃંદમાં મૂર્ધન્યપદને પામેલાં તન્દ્રાગ્રસ્ત મહાપુણ્યવતી માતા મરુદેવી રાત્રિએ (૧) વૃષભ, (૨) હાથી, (૩) સિંહ, (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પમાળાયુગલ, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) રૌપ્યમય કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ તથા (૧૪) નિર્ધૂમ અગ્નિ - એમ ચૌદ પ્રશસ્ત મહાસ્વપ્નોને જુએ છે (અહીં યાદ રહે કે અન્ય ૨૨ તીર્થંકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે.) સ્વપ્નનો બધો વૃત્તાન્ત માતા મરુદેવી નાભિકુળકરને કહે છે. ત્યાં સ્વપ્નોનાં ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી તેથી સ્વપ્નોનાં ફળને નાભિકુળકર સ્વયં કહે છે.
સ્વપ્ન-01 વૃષભ

ત્યારપછી માતા મરુદેવી સ્વપ્નામાં વૃષભને જુએ છે. તે વૃષભ શ્વેત કમળની પાંખડીઓના સમૂહથી પણ અધિક રૂપની પ્રભાવાળો હતો. કાંતિપૂંજની દિવ્ય પ્રભાથી સર્વત્ર પ્રદીપ્ત હતો. તેની વિરાટ કાંધ અત્યન્ત ઊભરાયેલ અને મનોહર હતી. તેનાં રોમ સૂક્ષ્મ અને અતિ સુંદર હતાં. તેમજ સુકોમળ હતાં. તેના અંગ સ્થિર, સુગઠિત, માંસલ અને પુષ્ટ હતાં. તેના શિંગડાં વર્તુળાકાર, સુંદર, ઘી જેવા ચીકણાં અને તીક્ષ્ણ હતાં. તેના દાંત અક્રૂર (હિંસક નહિ એવા), ઉપદ્રવ રહિત, એક સરખી કાંતિવાળા, પ્રમાણસર તથા શ્વેત હતાં. તે વૃષભ અગણિત ગુણોરૂપી મંગલોના ધામ સમાન હતો.


સૂચક - મોહરૂપી પંકમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથનો ઉદ્ધાર કરવામાં સમર્થ પુત્રની પ્રાપ્તિ                                                                સૂચવનાર

સ્વપ્ન-02 હાથી

માતા મરુદેવી સ્વપ્નમાં હાથીને જુએ છે. તે હાથી ચાર દાંતવાળો અને ઊંચો હતો તથા તે વરસી ગયેલા મેઘની જેમ શ્વેત, હારના સમૂહની માફક ઉજ્જ્વળ, ક્ષીર સમુદ્રની માફક ધવલ, ચન્દ્ર કિરણોની માફક ચમકદાર, પાણીનાં ટીપાંની માફક નિર્મળ અને ચાંદીના પર્વતની જેમ સફેદ હતો. તેના ગંડસ્થલમાંથી મદ ઝરી રહેલ હતું જેની સુગંધ લેવા માટે ભ્રમરો ગુંજારવ કરી રહેલ હતાં. તે હાથી શક્રેન્દ્રના હાથી ઐરાવતની માફક ઉન્નત હતો. તો અત્યંત શુભ તથા શુભ લક્ષણોથી યુક્ત હતો. તેનો છાતીનો ભાગ વિશાળ હતો. એવા હાથીને સ્વપ્નમાં જુએ છે.
સૂચક - મહંત પુરુષોનો પણ ગુરુ અને ઘણા બળના એક સ્થાનરૂપ પુત્રને સૂચવનારો


સ્વપ્ન-03 સિંહ

ત્યારપછી માતા મરુદેવી ત્રીજા સ્વપ્નામાં સિંહને જુએ છે. તે સિંહ હાર-સમૂહ, ક્ષીરસાગર, ચંદ્રકિરણો, જળ-કણ અને રજત પર્વત સમાન અત્યંત ઉજ્જ્વળ હતો, રમણીય હતો, દર્શનીય હતો, સ્થિર અને દૃઢ પંજાવાળો હતો. તેની દાઢો ગોળ, અતિ પુષ્ટ, અંકતરરહિત, શ્રેષ્ઠ અને તીક્ષ્ણ હતી કે જેનાથી તેનું મોઢું સુશોભિત દેખાતું હતું. તેના બંને હોઠ સ્વચ્છ, ઉત્તમ કમળની જેમ કોમળ, પ્રમાણસર અને સુંદર હતા. તેનાં તાળવાં રક્ત કમળની જેમ લાલ અને સુકોમળ હતાં. તેની જીભ લપલપાયમાન થઈ રહી હતી. તેના બંન્ને નેત્ર સુવર્ણકાર (સોની) ના પાત્રમાં રાખેલાં તપેલાં ગોળ સ્વર્ણસમાન ચમકદાર વિજળીની માફક ચમકતાં હતાં, તેની વિશાળ જાંઘો અત્યંત પુષ્ટ અને ઉત્તમ હતી. તેની કાંધ પરિપૂર્ણ અને નિર્મળ હતી. તેની દીર્ઘ કેશવાળી (યાળ) કોમળ, સૂક્ષ્મ, ઉજ્જ્વલ, શ્રેષ્ઠ લક્ષણયુક્ત અને વિસ્તૃત હતી. ઉન્નત પૂંછડું કુંડળના આકારે અને શોભાયુક્ત હતું. તેના નખ ઘણા તીક્ષ્ણ હતાં. તેની આકૃતિ ઘણી સૌમ્ય હતી અને નવીન પાલવની માફક ફેલાયેલ મનોહર જીભ હતી. એવા સિંહને આકાશમાંથી લીલાપૂર્વક નીચે ઊતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે.સૂચક - પુરુષોમાં સિંહરૂપ, ધીર, નિર્ભય, શૂરવીર અને અસ્ખલિત પરાક્રમવાળા પુત્રને સૂચવતો


સ્વપ્ન-04 લક્ષ્મીદેવી

ત્યારપછી 
માતા મરુદેવી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મી અત્યંત ઉન્નત હિમવાન પર્વત ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર સંસ્થિત હતી. પ્રશસ્ત રૂપવતી હતી, તેનાં ચરણ યુગલ સારી રીતે સ્થાપન કરેલા સુવર્ણમય કાચબાની જેમ ઉન્નત હતાં. તેના અંગુઠા ઉભરાયેલા અને પુષ્ટ હતા. તેના નખ રંગથી રંગાયેલા ન હોવા છતાં પણ રંજિત લાગતા હતા તથા માંસયુક્ત ઉભરાયેલા, પાતળા ત્રાંબાની માફક લાલ અને સ્નિગ્ધ હતા. તેના હાથ અને પગ કમળ-દળ સમાન કોમળ હતાં. તેની આંગળીઓ પણ સુકોમળ અને શ્રેષ્ઠ હતી, પિંડલીઓ-જાંઘ કુરુવૃન્દ (નાગરમોથા) ના આવર્ત સમાન અનુક્રમે ગોળ હતી. તેના બન્ ને ઘુંટણ શરીર પુષ્ટ હોવાને લીધે બહાર દેખાય નહિ તેવાં હતાં. તેની જાંઘ ઉત્તમ હાથીની સૂંઢની માફક પરિપુષ્ટ હતી. તેની કેડનો ભાગ મનોહર અને સુવિસ્તૃત કનકમય કંદોરાથી યુક્ત હતો. તેની રોમરાજિ શ્રેષ્ઠ અંજન, ભ્રમર અને મેઘસમૂહ સમાન શ્યામ વર્ણવાળી તથા સરસ, સીધી, ક્રમબદ્ધ, અત્યંત પાતળી, મનોહર પુષ્પાદિની જેમ મૃદુ અને રમણીય હતી, નાભિમંડળના કારણે તેની જાંઘ સરસ, સુન્દર અને વિશાળ હતી. તેની કમર મુઠીમાં આવી જાય એટલી પાતળી અને સુંદર ત્રિવલીથી યુક્ત હતી. તેના અંગોપાંગ અનેકવિધ મણિયો, રત્નો, સુવર્ણ તથા વિમલ લાલ સુવર્ણના આભૂષણોથી સુશોભિત હતાં. તેનાં સ્તનયુગલ સોનાનાં કળશની માફક ગોળ અને કઠ્ઠણ હતાં, તથા વક્ષસ્થળ મોતીઓના હારથી અને કુંદ પુષ્પમાળાથી દેદીપ્યમાન હતાં. તેના ગળામાં નેત્રોને પ્રિય લાગે એવી જાતના હાર હતાં કે જેમાં મોતીઓનાં ઝૂમખાં લટકી રહેલ હતાં. સુવર્ણમાળા તેમજ મણિસૂત્ર પણ બિરાજી રહેલ હતાં. તેના બન્ને કાનોમાં ચમકદાર કુંડલ પહેરેલ હતાં અને તે ખભા સુધી લટકતાં હતાં. મુખથી અત્યંત શોભા ગુણને લીધે તે અતીવ સુશોભિત હતી. તેના બન્ને હાથોમાં દેદીપ્યમાન કમળ હતાં. જેમાંથી મકરન્દ ટપકી રહેલ હતું. આનંદને ખાતર વિંજવામાં આવતા પંખાથી સુશોભિત હતી. તેના કેશ-સાશ પૃથક્ પૃથક્ અને ગુચ્છા વગરના તથા કાળા, સઘન, સારી રીતે ચિકણા અને કમર સુધી લંબાયેલ હતા. તેનો નિવાસ પદ્મદ્રહના કમળ ઉપર હતો. તેનો અભિષેક હેમવંત પર્વતના શિખર ઉપર રહેલાં દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતી જળધારાથી થતો હતો એવી ભગવતી લક્ષ્મીદેવીને માતા મરુદેવીએ ચોથા સ્વપ્નમાં જોઈ.


સૂચક - ત્રૈલોક્યની સામ્રાજ્યલક્ષ્મીનું અધિપતિપણું પ્રાપ્ત કરનાર પુત્રને સૂચવતાં

સ્વપ્ન-05 પુષ્પમાળાયુગલત્યારપછી એ પાંચમા સ્વપ્નમાં આકાશમાથી નીચે ઊતરતી સુંદર પુષ્પોની માળા જોઈ. તે માળામાં કલ્પવૃક્ષનાં તાજાં ફૂલોથી ગૂંથેલી ઘણી રમણીય માળાઓ હતી, તે માળામાં ચંપક અશોક, પુન્નાગ, નાગકેશર, પ્રિયંશુ,, શિરિષ, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઈ, અંકોડા, કોજ્જ, કોરંટ, ડમસનાં પાન, નવમલ્લિકા, બકુલ, તિલક, વાસંતી, સૂર્યવિકાસી અને ચંદ્રવિકાસી કમળો, ગુલાબ કંદ, અતિમુક્ક અને સહકારનાં ફૂલ ગૂંથેલાં હતાં અને તેની મધુર સુગંધથી દસેય દિશાઓ મહેકી રહી હતી. સર્વ ઋતુઓમાં ખિલનારાં પુષ્પોથી તે તૈયાર થયેલ હતી. તે માળાનો રંગ મુખ્યપણે સફેદ હતો અને અહીંતહીં જુદા જુદા રંગોનાં પુષ્પો પણ ગુંથેલ હતાં તે જેનાથી તે ઘણીજ મનોહર અને રમણીય લાગતી હતી. વિવિધ રંગોના કારણે તે આશ્ચર્ય ઉત્પન્ન કરતી હતી તેના ઉપર મધ્ય અને નીચે સર્વત્ર ભમરા ગુંજારવ કરતા ચક્કર મારી રહેલ હતા. એવી માળા 
માતા મરુદેવી
 એ જોઈ.


સૂચક - પુણ્ય દર્શનવાળો તથા અખિલ જગત જેની આજ્ઞાને માળાની પેઠે મસ્તક ઉપર વહન કરનાર એવા પુત્રને સૂચવતી

સ્વપ્ન-06 ચંદ્ર


તે પછી છઠ્ઠા સ્વપ્નમાં માતા મરુદેવી ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, પાણીનો ફુવારો, જળના કણિયા અને રજત-ઘટની માફક સફેદ હતો, શુભ હતો અને હૃદય તથા નયનોને અત્યંત પ્રિય હતો, પરિપૂર્ણ હતો, ઘોર અંધકારને નષ્ટ કરનારો હતો. પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતો, કુમુદ વનોને વિકસિત કરનારો હતો, રાતની શોભાને વધારનારો હતો, સ્વચ્છ કરેલા દર્પણની જેમ ચમકી રહેલ હતો. હંસની માફક શ્વેત હતો, તે તારાગણ અને નક્ષત્રોમાં પ્રધાન હતો. રાતની શોભામાં અભિવૃદ્ધિ કરનારો હતો. તો અંધકારનો શત્રુ હતો. કામદેવનાં બાણોના ભાથાં જેવો હતો. સમુદ્રનાં પાણી ઉછાળનારો હતો. વિરહની વેદના ભોગવનારાને વ્યથિત કરનારો હતો. તે સૌમ્ય અને સુંદર હતો. વિરાટ ગગન મંડળમાં સારી રીતે પરિભ્રમણ કરનારો હતો. જાણે આકાશમંડળનું હરતું ફરતું તિલક હોય તેવો હતો. રોહિણીના મનને આહ્લાદિત કરનારો, તેનો પતિ હતો. એવા પૂર્ણ ચંદ્રને માતા મરુદેવી જુએ છે.સૂચક – મનોહર તથા નેત્રને આનંદ આપનાર પુત્રને સૂચવનાર


સ્વપ્ન-07 સૂર્યતે પછી માતા મરુદેવી સ્વપ્નમાં સૂર્યને જુએ છે. તે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરનારો અને તેજથી જાજ્વલ્યમાન હતો. લાલ અશોક, વિકસિત કિંશુક, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધ લાલભાગ-આ બધી વસ્તુઓની માફક રક્ત વર્ણવાળો હતો. કમળ વનોને સુશોભિત કરનારો, જ્યોતિષ ચક્ર ઉપર સંક્રમણ કરવાના કારણે તેનાં લક્ષણો બતાવનારો હતો. આકાશનો પ્રદિપ, હિમને નષ્ટ કરનારો, ઉદય અને અસ્ત સમયે જ થોડાક વખત સુધી સુખપૂર્વક સામે જોઈ શકાય તેવો અને અન્ય સમયે ન જોઈ શકાય તેવો તેજસ્વી, રાત્રિમાં વિચરનારા લુંટારા અને તસ્કરોનો પ્રમર્દક, ઠંડીને દૂર કરનારો, મેરુપર્વતની પ્રદક્ષિણા કરનારો, પોતાનાં સહસ્ર કિરણોથી ચમકતા ચાંદ અને તારાગણોની શોભાને નષ્ટ કરનારો હતો. એવા સૂર્યને માતા મરુદેવી જુએ છે.


સૂચક – મોહરૂપી અંધકારનો નાશ કરી, જગતમાં ઉદ્યોત કરનાર પુત્રને સૂચવનાર
ક્રમશ..........

19 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 3 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ – 3

SHREE AADINATH CHARITRA (BHAG) - 3 


(૫) લલિતાંગ દેવ- ત્યાંથી ધન્ના સાર્થવાહનો જીવ ઈશાન કલ્પમાં લલિતાંગ દેવ બન્યો. ત્યાં સ્વયંપ્રભા દેવીમાં તે એટલો આસક્ત થઈ ગયો કે સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થવાથી લલિતાંગદેવ તેના વિરહમાં આકુળ-વ્યાકુળ બની ગયો. ત્યારે સ્વયંબુદ્ધ અમાત્યનો જીવ કે જે તે જ કલ્પમાં દેવ થયો હતો તેણે આવીને તેમને સાંત્વના આપી અને સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી ચ્યવીને માનવલોકમાં નિર્યામિકા નામની બાલિકા બની. કેવળીના ઉપદેશથી શ્રાવિકા બનીને આયુષ્ય પૂર્ણ કરી, ફરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી બની. લલિતાંગદેવ ફરી તેનામાં આસક્ત થઈ ગયો. જીવનના અંતમાં નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં જીવન પૂર્ણ કર્યું.

(૬) વજ્રજંઘઃ ત્યાંથી ચ્યવીને લલિતાંગદેવનો જીવ જંબૂદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલા નગરના અધિપતિ સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. અહિં તેમનું વજ્રજંઘ નામ આપવામાં આવ્યું.સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પુંડરીકિની નગરીમાં વજ્રસેન રાજાની પુત્રી `શ્રીમતી' થઈ.
એક વખત શ્રીમતી મહેલની છત ઉપર ઘૂમી રહેલ હતી. તે સમયે પાસેના એક ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થયું. તેના મહોત્સવ નિમિત્તે દેવ-ગણ આકાશમાર્ગથી જઈ રહેલ હતો. આકાશમાર્ગથી જતા દેવસમૂહને નિહાળીને શ્રીમતીને પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તેણે તે સ્મૃતિ એક ચિત્રપટ પર અંકિત કરી. પંડિતા પરિચારિકા તે ચિત્રપટ લઈને રાજમાર્ગ ઉપર કે જ્યાં ચક્રવર્તી વજ્રસેનની વર્ષગાંઠ મનાવવાના હેતુથી અનેક દેશોના રાજકુમારો આવ-જા કરી રહેલ હતા ત્યાં ઊભી રહી ગઈ. વજ્રજંઘ રાજકુમારે જેવું તે ચિત્ર જોયું તેવું જ તેને પણ પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ ગઈ. ચિત્રપટ્ટનું આખું ઇતિ-વૃત્ત પંડિતા પરિચારિકાને બતાવ્યું. પરિચારિકાએ શ્રીમતીને અને ફરી શ્રીમતીની પ્રેરણાથી ચક્રવર્તી વજ્રસેનને પરિચય આપીને શ્રીમતીનું વજ્રજંઘ સાથે પાણિગ્રહણ કરાવ્યું.
શ્રીમતીના પિતા વજ્રસેને સંયમ લીધો ત્યારે સીમાડાના રાજા સમ્રાટ પુષ્કરપાલની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગ્યા. વજ્રજંઘ તેની સહાયતા માટે ગયા અને શત્રુઓ ઉપર વિજયપતાકા લહેરાવીને જ્યારે તેઓ પાછા પોતાની રાજધાનીમાં ફરી રહ્યા હતા ત્યારે તેને જાણ થઈ કે આ અરણ્યમાં બે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમના દિવ્ય પ્રભાવથી દૃષ્ટિવિષ સર્પ પણ નિર્વિષ થઈ ગયો છે. આથી વજ્રજંઘ મુનિઓનાં દર્શન કરવા માટે ગયા. ઉપદેશ સાંભળી વૈરાગ્ય થયો. પુત્રને રાજ્ય સોંપીને સંયમ ગ્રહણ કરીશ તે ભાવનાની સાથે ત્યાંથી પ્રસ્થાન કરીને રાજધાનીમાં પહોંચ્યા. અહીં પુત્રે વિચાર્યું કે પિતાજી જીવતાં મને રાજ્ય આપશે નહિ. તેથી રાજ્યલોભમાં ફસાઈને તેણે તે રાતે વજ્રજંઘના મહેલ ઉપર ઝેરીલો ધુમાડો ફેલાવ્યો કે જેની ગંધથી વજ્રજંઘ અને શ્રીમતી બંને મૃત્યુને પ્રાપ્ત થઈ ગયાં.

(૭) યુગલિક: ત્યાંથી બંને આયુષ્ય પૂર્ણ કરીને ઉત્તરકુરુમાં યુગલ-યુગલિની બન્યા.

(૮) સૌધર્મકલ્પ: ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં દેવ બન્યા.

(૯) જીવાનંદ વૈદ્ય: ત્યાંથી ચ્યવીને ધન્ના સાર્થવાહનો જીવ જીવાનંદ વૈદ્ય બન્યો. તે વખતે ત્યાં પાંચ અન્ય જીવો પણ ઉત્પન્ન થયા. (૧) રાજાના પુત્ર મહીધર (૨) સંત્રીપુત્ર-સુબુદ્ધિ (૩) સાર્થવાહનો પુત્ર પૂર્ણચંદ્ર (૪) શ્રેષ્ઠીપુત્ર ગુણાકર (૫) ઈશ્વરદત્ત પુત્ર કેશવ (જે શ્રીમતીનો જીવ હતો.) આ છએ મિત્રોમાં દૂધ-પાણી જેવો પ્રેમ હતો.પોતાના પિતાની માફક જીવાનંદ વૈદ્ય પણ આયુર્વેદ વિદ્યામાં પ્રવીણ હતા. તેમની પ્રતિભાની તેજસ્વિતાથી બધા પ્રભાવિત થતાં. એક દિવસ બધા સ્નેહી-સાથી વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં ત્યાં એક દીર્ઘ તપસ્વી મુનિ ભિક્ષા માટે આવ્યા. તેઓ કૃમિ-કુષ્ઠની ભયંકર વ્યાધિથી ઘેરાયેલા હતા. સમ્રાટપુત્ર મહીધરે જીવાનંદને કહ્યું: "મિત્રવર! આપ અન્ય ગૃહસ્થ લોકોની ચિકિત્સા કરવામાં દક્ષ છો પરંતુ કૃમિકુષ્ઠ રોગથી ઘેરાયેલ આ તપસ્વી મુનિને નિહાળીને પણ તેમની ચિકિત્સા માટે પ્રવૃત્ત કેમ થતા નથી?"જીવાનંદ:-"મિત્ર, તમારું કથન સત્ય છે પણ મારી પાસે લક્ષપાક તેલ સિવાય અન્ય આવશ્યક ઔષધિઓ ઉપલબ્ધ નથી."તેમણે કહ્યું:- "બતાવો! કઈ ઔષધીઓ જોઈએ છે? અમે તેનું મૂલ્ય ચુકવશું, ગમે ત્યાંથી લાવવા પ્રયાસ કરીશું."જીવાનંદ:- "બે વસ્તુઓ જોઈએ: એક રત્નકંબલ અને બીજું ગોશીર્ષચંદન."પાંચેય મિત્રો ઔષધિ લાવવા માટે એક વેપારીની દુકાને પહોંચ્યા. શેઠે કહ્યું: "પ્રત્યેક વસ્તુનું મૂલ્ય એક લાખ દીનાર છે." તેઓ તેટલું મૂલ્ય ચુકવવા જેવા તૈયાર થયા તેવો જ શેઠે પ્રશ્ન કર્યો કે "આવી અમૂલ્ય વસ્તુઓ કોના માટે જોઈએ છે?" તેમણે કહ્યું: "મુનિની ચિકિત્સા માટે." મુનિનું નામ સાંભળીને તે બન્ને વસ્તુઓ કાંઈ પણ મૂલ્ય લીધા વિના શેઠે આપી દીધી. તેઓ તે વસ્તુઓ લઈને વૈદ્યની પાસે ગયા.સાથીઓની સાથેજ જીવાનંદ વૈદ્ય ઔષધીઓ લઈને મુનિની પાસે ગયા. મુનિ ધ્યાનમુદ્રામાં લીન હતા. મુનિની સ્વીકૃતિ લીધા વિના જ, મુનિને આરોગ્યપ્રદાન કરવાના હેતુથી તેઓએ તેલનું મર્દન કર્યું, ઉષ્ણવીર્ય તેલના પ્રભાવથી કૃમિઓ બહાર નીકળવા લાગ્યા તેથી રત્નકંબલથી તેમના શરીરને ઢાંકી દીધું જેથી કૃમિઓ રત્નકંબલમાં આવી ગયા. તે પછી રત્નકંબલની કૃમિઓને ગો-ચર્મમાં મૂકી દીધી. ફરીને મર્દન કર્યું તો માંસમાંથી કૃમિઓ નિકળી ગઈ. ત્રીજી વારના મર્દનથી અસ્થિગત કૃમિઓ નીકળી ગઈ. ત્યાર પછી ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો જેને લીધે મુનિ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા. છએ મિત્રો મુનિની સ્વસ્થતા જોઈને ઘણાજ પ્રમુદિત થયા.છએ મિત્રોને સંસારથી વિરક્તિ થઈ. તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ તપસાધના કરી.

(૧૦) બારમા દેવલોકમાં- ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને બારમા અચ્યુત દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા.

(૧૧) વજ્રનાભ- જીવાનંદનો જીવ ત્યાં આયુષ્ય પૂર્ણ કરી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના અધિપતિ વજ્રસેન રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. માતાએ ચૌદ મહાસ્વપ્નો દેખ્યાં. જન્મ થતાં પુત્રનું નામ વજ્રનાભ રાખવામાં આવ્યું. પૂર્વના પાંચેય સાથીઓમાંથી ચાર તો અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ તેમના ભાઈ થયા અને એક તેમનો સારથિ થયો.વજ્રનાભને રાજ્ય આપીને વજ્રસેને સંયમ ગ્રહણ કર્યું અને ઉત્કૃષ્ટ સંયમસાધના કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું, તેઓ તીર્થંકર બન્યા. સમ્રાટ વજ્રનાભે પણ ચક્રરત્ન ઉત્પન્ન થતાં ષટ્ખંડનો વિજય કરીને ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુદી ષટ્ખંડનું રાજ્ય કર્યું અને અંતે પિતા વજ્રસેનના ઉપદેશપ્રદ પ્રવચનો સાંભળીને વિરક્તિ થઈ, આગમોનું ગંભીર ચિંતન, મનન કર્યું. ઉત્કૃષ્ટ તપની સાધના કરી તેથી અનેક ચમત્કારવાળી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંતમાં માસિક સંલેખનાપૂર્વક પાદપોપગમન સંથારો કરી, સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.અહીં યાદ રાખવું જોઈએ કે વજ્રનાભના બાકીના ચારેય નાના ભાઈઓએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તેમાંથી બાહુમુનિ મુનિઓની વૈયાવૃત્ય કરતા અને સુબાહુમુનિ પરિશ્રાંત મુનિઓને વિશ્રામણા આપતા અર્થાત્ થાકેલા મુનિઓના અવયવોનું મર્દન વગેરે રૂપ અંતરંગ સેવા કરતા. બન્નેની સેવાભક્તિ નિહાળીને વજ્રનાભ ખૂબ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરતાં કહ્યું, તમે સેવા અને વિશ્રામણા દ્વારા તમારા જીવનને સફળ કરેલ છે.મોટા ભાઈ દ્વારા પોતાના બીજા ભાઈઓની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિના અંતરમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે અમે સ્વાધ્યાય વગેરેમાં તન્મય રહીએ છીએ. અમારી કોઈ પ્રશંસા કરતું નથી પરંતુ વૈયાવૃત્ય કરવાવાળાઓની પ્રંશંસા થાય છે. આ રીતે મનમાં ઇર્ષ્યા ઉત્પન્ન થઈ, તે ઈર્ષ્યાબુદ્ધિથી અને માયાની તીવ્રતાથી મિથ્યાત્વ આવ્યું અને સ્ત્રીવેદનો બંધ પડ્યો. કરેલા દોષની આલોચના કરી નહિ. જો નિઃશલ્ય થઈને આલોચના કરત તો જીવન અવશ્ય વિશુદ્ધ બનત.

(૧૨) સર્વાર્થસિદ્ધમાં: ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને વજ્રનાભ વગેરે પાંચેય ભાઈઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ સુધી સુખના સાગરમાં નિમગ્ન રહ્યા.

(૧૩) ઋષભદેવ: ત્યાંથી સર્વ પ્રથમ આયુષ્ય પૂર્ણ કરીને વજ્રનાભનો જીવ, ભગવાન ઋષભદેવ થયો. બાહુમુનિનો જીવ વૈયાવૃત્યના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના રૂપમાં જન્મ્યો. સુબાહુ મુનિનો જીવ મુનિઓને વિશ્રામણા દેવાથી વિશિષ્ટ બાહુબળના અધિપતિ ઋષભદેવનો પુત્ર બાહુબલી થયો. પીઠ, મહાપીઠના જીવે કૃતદોષોની આલોચના ન કરવાથી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી થઈ અને સાર્થિનો જીવ શ્રેયાંસકુમાર થયો.

ક્રમશ..........

18 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 2 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ – 2SHREE AADINATH CHARITRA (BHAG) - 2

આચાર્ય પણ સાર્થની સાથે રસ્તો પાર કરતા આગળ વધી રહ્યા હતા. વર્ષાઋતુ આવી. આકાશમાં ઊભરાઈ ઊભરાઈને ઘનઘોર ઘટા છવાવા લાગી અને રિમઝિમ વરસાદ વરસવા લાગ્યો. તે વખતે સાર્થ (સંઘ) ભયાનક અટવીમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તો કાદવથી ભરેલો હતો. સાર્થ તે અટવીમાં વર્ષાવાસ વ્યતીત કરવા માટે રોકાઈ ગયો. આચાર્ય પણ નિર્દોષ સ્થાનમાં સ્થિત થઈ ગયા.
તે અટવીમાં સાર્થને ધાર્યા કરતાં વધારે રોકાઈ જવું પડ્યું. તેથી સાર્થની ખાદ્યસામગ્રી સમાપ્ત થઈ ગઈ. ભૂખથી પીડાઈને સાર્થના લોકો અરણ્યમાં કંદમૂળ વગેરેનું અન્વેષણ કરી જીવન વ્યતીત કરવા લાગ્યા.

વર્ષાવાસના ઉપસંહાર કાળમાં ધન્ના સાર્થવાહને અચાનક સ્મૃતિ આવી કે મારી સાથેના જે આચાર્ય-પ્રવર આવ્યા હતા, મેં તેનો ખ્યાલજ ન કર્યો. તેમના આહારની શી વ્યવસ્થા હશે? તે તરતજ આચાર્યની પાસે ગયા અને આહારની અભ્યર્થના કરી. આચાર્યે તેને કલ્પ્ય અકલ્પ્યની સમજણ આપી. કલ્પ્ય અકલ્પ્યનું પરિજ્ઞાન કરીને તેણે ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રાસુક વિપુલ ઘીનું દાન દીધું. શુદ્ધ ભાવનાના ફળસ્વરૂપે સમ્યક્ત્વની ઉપલબ્ધિ થઈ.

(૨) ઉત્તરકુરુમાં મનુષ્ય: ત્યાંથી ધન્ના સાર્થવાહનો જીવ આયુષ્ય પૂરું કરીને દાનના પ્રભાવથી ઉત્તરકુરુમાં મનુષ્ય થયો.
(૩) સૌધર્મ દેવલોક: ત્યાંથી ધન્ના સાર્થવાહનો જીવ સૌધર્મ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો.
(૪) મહાબલ: ત્યાંથી ચ્યવીને ધન્ના સાર્થવાહનો જીવ પશ્ચિમ મહાવિદેહના ગંધિલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વતની વિદ્યાધર શ્રેણીના અધિપતિ શતબલ રાજાનો પુત્ર મહાબલ થયો. મહાબલના પિતા સંસારથી વિરક્ત થઈ પુત્રને રાજ્ય કારભાર સોંપીને સ્વયં શ્રમણ બની ગયા.

એક વાર સમ્રાટ મહાબલ પોતાના પ્રમુખ અમાત્યોની સાથે રાજસભામાં બેસીને મનોવિનોદ કરી રહેલ હતા. ત્યારે સ્વયંબુદ્ધ અમાત્યે રાજાને ધર્મનો મર્મ સમજાવ્યો, રાજા પુત્રને રાજ્ય સોંપીને મુનિ બન્યા. દુષ્કૃત્યોની આલોચના કરી અને બાવીસ દિવસનો સંથારો કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.

ક્રમશ..........

17 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 1 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 1

Shree Aadinath Charitra (Bhag 1) 

ભગવાન શ્રી ઋષભદેવના જીવને સર્વ પ્રથમ ધન્ના સાર્થવાહના ભવમાં સમ્યગ્દર્શનનો આલોક પ્રાપ્ત થયો હતો. તે વખતે તેઓ મિથ્યાત્વથી મુક્ત થયા હતા તેથી ઋષભદેવના તેર પૂર્વ ભવો આ પ્રમાણે છે.

(૧) ધન્ના સાર્થવાહ: ભગવાન શ્રી ઋષભદેવનો જીવ એક વખત અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ થયો. તેની પાસે વિપુલ વૈભવ હતો. તે ઘણે દૂર વિદેશોમાં વ્યાપાર કરતો હતો. એક વખત તેણે એવી ઉદ્ઘોષણા કરાવી કે જેમને વસંતપુર વ્યાપાર અર્થે ચાલવું હોય તે મારી સાથે ચાલે. હું તેમને બધી જાતની સગવડ આપીશ. સૈંકડોની સંખ્યામાં લોકો વ્યાપાર અર્થે તેમની સાથે રવાના થયા.

ધર્મઘોષ આચાર્ય, શિષ્યોની સાથે વસંતપુર ધર્મ પ્રચાર અર્થે જવા માગતા હતા. વિકટ સંકટમય રસ્તો હોવાથી સાર્થ વિના જવું અસંભવ હતું. ઉદ્ઘોષણા સાંભળીને આચાર્ય શ્રેષ્ઠીની પાસે ગયા અને સાથે ચાલવાની ભાવના અભિવ્યક્ત કરી.

શ્રેષ્ઠીએ પોતાના ભાગ્યની પ્રશંસા કરતાં અનુચરોને આદેશ આપ્યો કે શ્રમણોને માટે ભોજન વગેરેની સગવડોનું પૂર્ણ ધ્યાન રાખવું. આચાર્યે શ્રમણાચારનું વિશ્લેષણ કરતાં બતાવ્યું કે શ્રમણને માટે ઔદ્દેશિક, આધાકર્મિક વગેરે દોષયુક્ત આહાર નિશિદ્ધ છે. તે વખતે એક અનુચર કેરી લઈને આવ્યો. શ્રેષ્ઠીએ કેરી ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી. આચાર્યે બતાવ્યું કે જૈન શ્રમણને માટે સચિત્ત પદાર્થ પણ અગ્રાહ્ય છે. શ્રમણની કઠોર ચર્યા સાંભળીને શ્રેષ્ઠી શ્રદ્ધાવાન બની ગયા.


ક્રમશ..........

ideamage