Followers

16 May 2019

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો અદભુત ઈતિહાસ | JAIN STUTI STAVAN


શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો અદભુત ઈતિહાસ


શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નો ઈતિહાસ

સં. ૧૭૫૦નું વર્ષ હતું. શ્રી ઉદયરત્નજીવાચકે એકદા શ્રી સંઘને ઉપદેશ આપ્યો કે આપણે સૌ શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા જવાનું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને જીવન પાવન કરવાનું છે. આત્માનો ઉઘ્ધાર કરવાનો છે. શ્રી સંઘે આ વાત સહર્ષ સ્વીકારી લીધી. ખેડાના શ્રી સંઘમાં આનંદ વ્યાપી ગયો. જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ. ઢોલનગારા વાગવા માંડ્યા. શહેનાઈઓ ગુંજી ઊઠી. ચાંદીના રથ સાથે અશ્વો જોડવામાં આવ્યા. બળદગાડાઓ તૈયાર થયા. ઊંટગાડાઓ તૈયાર થયા. સાજન-માજનનો કલશોર ગાંજી ઊઠ્યો. સંઘ પ્રયાણના દિવસે ખેડાના શ્રી સંઘમાં ઘરે ઘરે તોરણ બાંધવામાં આવ્યા. દીપકો પ્રગટાવવામાં આવ્યા. સૌના હૃદયમાં અપાર હર્ષ વ્યાપી વળ્યો. પંડિત ઉદયરત્નજી વાચકની નિશ્રામાં શ્રી સંઘ ગામે ગામથી પ્રયાણ કરીને આગળ વઘ્યો. ગામે ગામ જિનદર્શન, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ ઈત્યાદી કરતાં કરતાં સૌ શંખેશ્વર પહોંચ્યા. શ્રી શંખેશ્વર તીર્થમાં આજે જે ભવ્ય જિનાલય નિહાળવા મળે છે તે સમયે નહોતું. તે સમયે જિનમંદિર મુસ્લિમોના હાથે નાશ પામ્યું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ગામના ઠાકોરના કબ્જામાં હતી.
શંખેશ્વર ગામનો ઠાકોર ભારે લોભી માણસ હતો. જે દર્શન કરવા આવે તેની પાસે તે એક ગીનીનો કર લેતો. ભાવિકજનો પ્રભુના દર્શન માટે કર ચૂકવતા. શ્રી ઉદયરત્નજીવાચક શ્રી સંઘ સાથે શંખેશ્વર પહોંચ્યા. શ્રી ઉદયરત્નજીવાચકને જણાવવામાં આવ્યું કે પ્રભુજીની પ્રભાવક પ્રતિમા ઠાકોરના કબ્જામાં છે. શ્રી સંઘના આગેવાનોએ કહ્યું કે અમે ઠાકોરને મળીને આવીએ અને તેના કહ્યા મુજબ કરવેરો ચુકવી દઈએ પછી પ્રભુજીના દર્શન કરીએ.


આ સાંભળીને શ્રી ઉદયરત્નજી નારાજ થઈ ગયા. શ્રી ઉદયરત્નજીએ કહ્યું ‘પ્રભુજીની પ્રતિમા જૈન સંઘની સંપત્તિ છે. એ પ્રતિમાના દર્શન કરવા માટે કોઈ કરવેરો ચૂકવવાનો ન હોય. મારે ઠાકોરને મળવું છે.’ શ્રી સંઘના આગેવાનો ઠાકોરને શ્રી ઉદયરત્નજી પાસે તેડી લાવ્યા. ઠાકોર કહે ‘પ્રતિમાની માલિકી મારી છે. તમારે મને કર ચૂકવવો પડે.’
ઉપાઘ્યાયજી કહે ‘ભગવાનની પ્રતિમા જૈન સંઘની છે. એના દર્શન કરવાનો હક્ક જૈનોનો અબાધિત છે. પ્રભુના દર્શનનો કર ન હોય. તમે અમને દર્શન કરવા દો.’
વાત વટ પર ચડી ગઈ.ઠાકોર ન માન્યા.
ઉપાઘ્યાયજી કહે ‘અમે પ્રભુની સ્તુતિ કરીશું. પ્રભુજી અમને સ્વયં દર્શન આપશે. જો આમ બને તો તમારે આજથી કરવેરો લેવાનો નહીં. બોલો કબૂલ ?’ ઠાકોરે હામી ભણી.
બંધ દરવાજા પાસે સકળ શ્રી સંઘ સાથે શ્રી ઉદયરત્નજીવાચકે ભગવાનનું સ્તવન ગાવાનું શરૂ કર્યું. સૌએ તેમાં સૂર પુરાવવા માંડ્યોઃ


પાસ શંખેશ્વરા ! સાર કર સેવકાં
દેવ કાં એવડી વાર લાગે ?
કોડી કર જોડી દરબાર આગે ખડા
ઠાકુરાં ચાકુરાં માન માગે !
પ્રગટ થા પાસજી ! મેલી પડદો પરો
મોડ અસુરાણને આપ છોડો.
મુજ મહીરાણ મંજુસમાં પેસીને
ખલકના નાથજી ! બંધ ખોલો !


શ્રી ઉદયરત્નજીના મઘુર અને બુલંદ કંઠે જેમ જેમ સ્તવન ગવાતું ગયું તેમ તેમ આકાશની હવા પલટાઈ ગઈ. નાગરાજ ધર્ણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થયા. બંધ દરવાજા આપોઆપ ખુલી ગયા. લોકોએ ગગનભેદી જયનાદ કર્યો. ઠાકોરે તે દિવસથી કર લેવાનો બંધ કર્યો. પ્રભુજીની પ્રતિમા જૈન સંઘને સોંપી દીધી.

આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી
ગુજરાત સમાચાર

No comments:

Post a Comment

ideamage