Followers

26 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 19 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 19


➽ભાતૃ-યુદ્ધ: સમ્રાટ્ ભરત એક શાસન સૂત્રમાં સમગ્ર ભારતને પરોવવા માગતા હતા. તેથી પોતાના નાનાભાઈ બાહુબલીને એવો સંદેશો પહોંચાડ્યો કે તે ચક્રવર્તીની આજ્ઞાનો સ્વીકાર કરી લે. ભરતનો આ સંદેશો સાંભળતાંજ બાહુબલીની ભ્રકુટિ ચડી ગઈ. ક્રોધ ઊભરાઈ આવ્યો. દાંત કચકચાવી કહેવા લાગ્યો- "શું ભરતની ભૂખ હજી પણ શાંત ન થઈ! પોતાના નાના ભાઈએ રાજ્ય છીનવી લેવા છતાં પણ તેને સંતોષ ન થયો? જો તે એમ સમજતા હોય કે હું શક્તિશાળી છું અને શક્તિથી બધાને ચટ કરી નાખું તો તે શક્તિનો સદુપયોગ નહિ, દુરૂપયોગ છે. માનવતાનું ભયંકર અપમાન છે અને કુળ-મર્યાદાનું અતિક્રમણ છે. અમારા પૂજ્ય પિતાશ્રી વ્યવસ્થાના નિર્માતા છે અને અમે તેમના પુત્રો થઈને વ્યવસ્થાનો ભંગ કરીએ તો તે અમારા માટે ઊચિત નથી. બાહુ-બળમાં તો હું ભરતથી કોઈ પણ પ્રકારે ઓછો ઊતરું તેમ નથી. જો તે પોતાના મોટાપણાંને ભૂલીને અનુચિત વ્યવહાર કરે તો હું ચૂપ રહી શકીશ નહી. હું બતાવી દઈશ ભરતને કે મારા પર આક્રમણ કરવું કેટલું અનુચિત છે?

ભરત વિરાટ સેના લઈને બાહુબલી સાથે યુદ્ધ કરવા, `બહલી' દેશની સીમા ઉપર પહોંચી ગયા અને બાહુબલી પણ પોતાની નાની સેનાને સજાવીને યુદ્ધ મેદાનમાં આવી ગયા. બાહુબલીના વીર સૈનિકોએ ભરતની વિરાટ સેનાના છક્કા છોડાવી દીધા. લાંબા વખત સુધી યુદ્ધ ચાલતું રહ્યું પણ ન તો ભરત જીત્યો કે ન બાહુબલી. હાર-જીતનો કોઈ ફેંસલો ન થયો. આખરે બાહુબલીએ આટલા બધા માનવોનું રક્ત વહેતું જોઈને નરસંહાર બંધ કરીને દ્વંદ્વયુદ્ધ માટે આમંત્રિત કર્યા. દૃષ્ટિયુદ્ધ, વાક્યુદ્ધ, બાહુયુદ્ધ મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ નિશ્ચિત થયાં. બધામાં સમ્રાટ ભરત પરાજિત થયા અને બાહુબલી વિજયી થયા. ભરતને પોતાના નાના ભાઈથી પરાજિત થવું ખૂબજ ખટક્યું આવેશમાં આવીને અને મર્યાદાને વિસ્મૃત કરીને બાહુબલીનો શિરચ્છેદ કરવા માટે ભરતે ચક્રનો પ્રયોગ કર્યો. તે જોઈને બાહુબલીનું લોહી ઊકળી ઊઠ્યું. બાહુબલીએ ઊછળીને ચક્રને પકડવાનું નક્કી કર્યું પણ ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને ફરી ભરતની પાસે પાછું ભર્યું. તે બાહુબલીનો વાળ પણ વાંકો ન કરી શક્યું. તે જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. બાહુબલીની બિરુદાવલીઓથી પૃથ્વી અને આકાશ ગૂંજી ઊઠ્યાં. ભરત પોતાના દુષ્કૃત્ય ઉપર લજ્જિત થઈ ગયા.

ભાઈ ભરતની ભૂલ ભુલાવવા માટે લાખો કંઠોથી એવી સ્વર લહેરીઓ ફૂટી પડી કે-"સમ્રાટ ભરતે તો ભૂલ કરી છે પરંતુ આપ ભૂલ ન કરો. નાનાભાઈ દ્વારા મોટાભાઈની હત્યા અનુચિત જ નહિ, અત્યન્ત અનુચિત છે. મહાન પિતાના પુત્ર પણ મહાન હોય છે, ક્ષમા કરો. ક્ષમા કરનારા કદી નાના બનતા નથી." બાહુબલીનો રોષ ઓછો થયો. હૃદય પ્રબુદ્ધ થયું. કુળ મર્યાદા અને યુગની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તેઓ ચિંતનમગ્ન થઈ ગયા. ભરતને મારવા માટે ઉપડેલો હાથ ભરત ઉપર નહિ પડતાં પોતાના શિર ઉપર પડ્યો અને લોચ કરીને શ્રમણ બની ગયા. રાજ્યને ઠોકર મારીને પિતાના ચરણચિહ્નો ઉપર ચાલી નીકળ્યા.

No comments:

Post a Comment

ideamage