Followers

18 April 2019

ચાલો ઇતિહાસ જાણીયે - પરમ પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજા

ચાલો  ઇતિહાસ  જાણીયે -  1
પરમ પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજા 


હિંદુસ્તાનના ઈતિહાસમાં મુસ્લિમ શાસનનો કાળ એ ભારે અંધાધૂંધીનો અને આંતક-છાયો કાળ રહ્યો. હિંદની અહિંસક અને ધર્મી પ્રજા માટે તો આ કાળ કેવળ અમાનુષી યાતનાનો જ કાળ બની રહ્યો છે. આમ છતાં, હિંસા અને રંજાડના એ દીર્ઘ અંધકાર યુગમાં પણ શહેનશાહ અકબર એક શીતલ પ્રકાશ વેરતો સિતારો થઈ ગયો. તેની નીતિમાં ઉદારતા વધુ હતી. કટ્ટરતા ઓછી, તેથી તેના શાસનકાળમાં પ્રજાએ જરાક ચેનનો શ્વાસ લીધો હતો, એમ કહી શકાય. અકબરનું વલણ ધર્મસાહિષ્ણુતાનું તેમજ સમન્વયનું હતું. તેના દરબારમાં દરેક ધર્મોના વિદ્વાનોને સ્થાન હતું. અને નિત્ય ધર્મની,તત્વની,કલા તથા વિદ્યાઓની ચર્ચા જામતી.

આવી એક ધર્મચર્ચા દરમિયાન એક દરબારી દ્વારા અકબરે જૈનાચાર્ય પૂજ્ય હીરસુરિની પ્રશંસા સાંભળી. તદુપરાંત ચંપા શ્રાવિકાએ કરેલા છ મહિનાના સળંગ ઉપવાસનો વરઘોડો, ચંપાબાઈની શાહે કરેલી પરીક્ષા, અને તે પ્રસંગે પણ 'બધો પ્રભાવ હીરસૂરિજી ગુરુનો' એવું સાંભળેલું જ. આથી અકબરે પોતાના ખાસ દૂતો મારફતે ગાંધારમાં બિરાજમાન હીરસુરિજીને દીલ્હી આવવા આમંત્રણ પાઠવ્યું. સૂરિજી પણ સંમતિપૂર્વક શાસનના ઉદ્યોતનું કારણ સમજીને દીલ્હી પધાર્યા. માર્ગમાં અમદાવાદ આવ્યું, ત્યારે ત્યાં શાહના સુબાએ તેમનું સ્વાગત કર્યું, ને કીમતી નજરાણું ભેટ ધર્યું.પણ સૂરિજીએ પોતે સંસારત્યાગી સાધુ છે તે મુદ્દો સમજાવીને તેનો અસ્વીકાર કરતાં સુબો પણ ચકિત થયો.ફતેહપુર સીક્રીના શાહી મહેલમાં અકબરની વિનંતીથી સૂરિજી પધાર્યા, ત્યારે મહેલ ની ફરસ ઉપર ગાલીચો બિછાવેલો, તેથી તેના ઉપર ચાલવાની સૂરિજીએ ના કહેતાં શાહે પૂછ્યું: શું આની નીચે જીવડાં છે ? સૂરિજી હા કહેતાં શાહે તરત ગાલીચો ઉપાડાવ્યો, તો નીચે સેંકડો કીડી-મંકોડા ફરતા જોવામાં આવ્યા. સુરિજીના જ્ઞાનથી તથા દયાધર્મથી શાહ પ્રભાવિત થઇ ગયો. પછી તો તેણે સૂરિજીનો ઘણો સત્સંગ કર્યો. છેવટે તેણે સૂરિજીને કાંઈક માગવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે સૂરિજીએ કહ્યું કે અમે તો ત્યાગી છીએ. એટલે બીજું તો કાંઈ નથી ખપતું. પરંતુ જો તમે જીવદયા પાળો ને પળાવો તો અમને આનંદ થશે. શાહે તત્કાલ ૧૨દિવસ માટે સમગ્ર દેશમાં અમારિનું ફરમાન જાહેર કર્યું. ઉપરાંત અસંખ્ય પશુઓ-પંખીઓને અભયદાન આપ્યું.પોતાના ખાણામાં રોજ સવાશેર ચકલીની જીભ રંધાતી, તે હિંસા બંધ કરી.

આ ઉપરાંત પણ વિવિધ પ્રસંગોથી જુદા-જુદા વાર તહેવારોમાં જીવહિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો. શત્રુંજય આદિ તીર્થોની માલિકી જૈન સંઘને સુપ્રત કરી. અને સુરિજીના જ્ઞાન તથા નિ:સ્પૃહતાથી અત્યંત પ્રભાવિત બનેલા શાહે સૂરિજીને જગદ્ ગુરુની પદવી અર્પણ કરી. શાહ જીવ્યો ત્યાં સુધી તેના દરબારમાં સુરિજીના કોઈને કોઈ વિદ્વાન શિષ્યની ઉપસ્થિત રહે-તેવો તેણે આગ્રહ રાખ્યો હતો. આમ જગદ્ ગુરુ હીરસૂરિજી જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે જ અહિંસા ધર્મની-જિનશાસનની અનન્ય પ્રભાવના સેવા કરી છે.....

No comments:

Post a Comment

ideamage