Ad Code

શ્રમણ ઉત્તમો મનકમુનિ | Jain Story of Manak Muni | મનકમુનિ

શ્રમણ ઉત્તમો મનકમુનિ: છ વર્ષનો એક બાળક એકલો પિતાને શોધવા માટે ૬૦૦ માઈલ દૂર ગયો !

\
શ્રમણ ઉત્તમો મનકમુનિ | Jain Story of Manak Muni | મનકમુનિ

Jain Story of Manak Muni Gujarati


વિશ્વના કોઈપણ ધર્મમાં કે સમાજમાં આવી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ અપાઈ નથી !
કોઈપણ લેખક લખે અને કોઈપણ વક્તા બોલે ત્યારે તેમાં કોઈને કોઈ હેતુ જોડાયેલો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સંતોએ જે પણ લખ્યું અથવા કહ્યું તેમાં જીવનની ઉન્નતિનો સંદેશ મળે છે

જૈન સાધુઓએ જે પણ લખ્યું તેમાં આત્માની ઉન્નતિનો સંદેશ મળે છે. પૂજા સંગ્રહ અમર કાવ્યોનો ગ્રંથ છે. આ પૂજાઓ જૈન સંઘમાં સૈકાઓ સુધી અમર રહેશે.
ઇતિહાસમાં મળતી વાતો જીવન પરિવર્તનનો મર્મ પ્રગટ કરે છે. શ્રી પ્રભવસ્વામી દીક્ષા લીધી તે પહેલાં શ્રી જંબુકુમારના ઘરે પોતાના ૫૦૦ ડાકુ સાથીઓ સાથે ચોરી કરવા ગયેલા. તે સમયે એમણે જોયું કે જંબુકુમાર તો પરણ્યાની પહેલી રાતે આઠ રૂપસુંદરીઓને કહી રહ્યા છે કે મારે દીક્ષા લેવી છે ! મારા માતા-પિતાના આગ્રહને કારણે મેં લગ્ન કર્યા છે પણ મારી દીક્ષા લેવાની ભાવના છે. જો તમે સૌ સંમતિ આપો તો તે શક્ય બને.


એ સુશીલ અને ધર્મી કન્યાઓ કહેતી હતી કે ‘ જે તમારો વિચાર તે અમારો વિચાર. જે તમારો પંથ તે અમારો પંથ.’ આ શબ્દો ચોરી કરવા આવેલા પ્રભાવ ચોરે સાંભળ્યા. એને જાત પર ધિક્કાર છૂટયો. પ્રભવ મૂળ તો રાજકુમાર હતો. જયપુરના રાજાનો પુત્ર હતો. પિતા સાથે અણબનાવ થતાં ચોરીના પંથે ચડયો ! પણ જ્યાં જંબુકુમારની વાતો સાંભળી ત્યાં વૈરાગ્ય જાગ્યો ! કેવો હળુકર્મી જીવ હશે એ !
શ્રી પ્રભવ સ્વામી ૧૧૧ વર્ષનું આયુષ્ય પામ્યા હતા.ચૌદ પૂર્વધર એટલે શું ? પ્રભુ વીરનું શ્રુતજ્ઞાાન હૃદયસ્થ કરનાર એટલે ચૌદ પૂર્વધર. જે કાળને પેલે પાર જે છે તે જાણી અને કહી શકે.

જૈન ધર્મ એવો ધર્મ છે જ્યાં જ્ઞાાતિનું મહત્વ નથી, સંસ્કારનું મહત્વ છે. તમારા સંસ્કાર ઉત્તમ બનાવો. તમારું જીવન શ્રેષ્ઢ બનાવો.
પ્રભવ સ્વામીએ વિચાર્યું કે મારે ઉત્તમ વ્યકિતને દીક્ષા આપવી જોઈએ જે શ્રી મહાવીર સ્વામીની પેઢી આગળ વધારે. રાજગૃહીમાં પંડિત શય્યંભવ રહેતા હતા, પ્રકાંડ પંડિત હતા એ. રાજગૃહીમાં યજ્ઞા કરાવી રહ્યા હતા.પ્રભવ સ્વામીએ બે સાધુઓને આજ્ઞાા કરી કે તમારે જ્યાં પંડિતજી બેઠા છે ત્યાંથી પસાર થવાનું છે અને ‘ આ કષ્ટ છે, તત્વ જ્ઞાાની જાણે છે !’ એમ બોલતા પસાર થવાનું છે. પંડિત શ્ય્યંભવજીએ આ શબ્દો સાંભળ્યા, એ વિચારમાં ડૂબ્યા. એમને ખાતરી હતી કે જૈન સાધુ ખોટું ન બોલે.


તમે સાચું બોલવાની ટેવ પાડો. ખોટું બોલો. તમે તો જરૂર ન હોય તેવું પણ ઘણું ખોટું બોલો છો. સત્યનો પ્રભાવ તમે જોયો છે જ ક્યાં ? સાચું બોલશો તો તમારી વાણીમાં પ્રકાશ આવશે.

જૈન શ્રાવકની પ્રતિષ્ઢા એવી હતી કે એના કપાળમાં ચંદનનું તિલક જોઈને લોકો વિશ્વાસ કરતા. આજે એવું છે ? તમારું તિલક ધર્મની નિશાની છે. તેની કિંમત વધે તેવું કરો.

પંડિત શય્યંભવ જૈન સાધુની વાતનો મર્મ જાણવા માટે પોતાના વિદ્યાગુરુ પાસે ગયા. પૂછયું કે તત્વ શું છે તે કહો, વિદ્યાગુરુ કહે કે તું જ્યાં યજ્ઞા કરાવે છે તેની વેદિકાની નીચે જમીન ખોદ, તેમાંથી જ નીકળે તે ધર્મ. પંડિત શય્યંભવજીએ તેમ કર્યું. તો નીચેથી શાંતિનાથ ભગવાનની પ્રતિમા નીકળી. શય્યંભવ વિદ્વાન હતો. તે એક પળમાં સમજી ગયઓ કે જિનેશ્વર ભગવાન જે કહે છે તે જ છે સાચું તત્ત્વ. શય્યંભવ આચાર્ય શ્રી પ્રભવસ્વામી પાસે ગયા. દીક્ષા લીધી. ટૂંક સમયમાં ચૌદ પૂર્વધર આચાર્ય થયા.


જગતના ઇતિહાસમાં જોટો ન જડે તેવો આ કિસ્સો છે. પંડિત શય્યંભવે દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની- પંડિતાણી ગર્ભવતી હતા. એમને પુત્રનો જન્મ થયઓ. એ છ વર્ષનો થયો (ત્યાં સુધીમાં શય્યંભવજી આચાર્ય થઈ ગયા હતા !) એ પિતાએ દીક્ષા લીધી છે. તે માને કહે છે કે હું મારા પિતાને શોધવા જાઉં ! મા રડી પડે છે. એના આક્રંદનો પાર નથી. એ કહે છે કે મેં પતિ ખોયો છે, હવે મારો પુત્ર ખોવો નથી ! મનક માનતો નથી.

છ વરસનું બાળક પોતાના પિતાને શોધવા એકલો નીકળી પડે છે ! તમારો બાળક ઘરેથી ભાગી છૂટે તો શા માટે નાસી જાય તેનો વિચાર કરો !
પણ, મનકની વાત નિરાળી છે. છ વરસની ઉંમર. એકલો નીકળી પડયો છે. ચંપાપુરી પહોંચે છે. રાજગૃહીથી ૬૦૦ માઈલ દૂર.

નગરની બહાર આચાર્ય શ્રી શય્યંભવ સૂરિજી મળે છે. મનક પૂછે છે, મારા પિતા જૈન સાધુ થયા છે તેમનું નામ શય્યંભવ છે. હું તેમને શોધવા નીકળ્યો છું. તમે તેમને ઓળખો છો ? આચાર્યશ્રી ચમકે છે. તે પોતાના પુત્રને ઓળખી જાય છે. કહે છે કે તારા પિતા મારા જેવા જ દેખાય છે. તું મારી સાથે ચાલ. તું દીક્ષા લે. હું તારા પિતાનો મેળાપ કરાવી આપીશ.


મનક દીક્ષા લે છે. આચાર્ય શ્રી પ્રભવસ્વામી ત્યારે વિદ્યમાન છે. મનક દીક્ષા લે છે ત્યારે શ્રી શય્યંભવસૂરિજી જાણી જાય છેકે મનકનું આયુષ્ય માત્ર છ મહિનાનું જ છે ! મનકમુનિને જૈન ધર્મનો સાર સમજાવી દેવા માટે શ્રી શય્યંભવ સૂરિજી શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરે છે. શ્રી પ્રભવસ્વામી ત્યારે પણ વિદ્યમાન છે.
મનકમુનિ ભણે છે. છ મહિના પછી કાળધર્મ પામે છે. એ સમયે શ્રી શય્યંભવ સૂરિજીની આંખમાં આંસુ જલકે છે. શિષ્ય શ્રી યશોભદ્ર સૂરિજી પૂછે છે કે તમારી આંખમાં આંસુ કેમ ? ત્યારે પહેલીવાર શ્રી શય્યંભવ સૂરિ બોલે છે કે મનકમુનિ મારો સંસારી પુત્ર હતો !
એમની અંદરદશા વૈરાગ્યથી કેવી ભરપૂર હશે !

મનકમુનિના સ્મરણમાં આજે પણ તમામ જૈન સાધુ અને સાધ્વી પ્રાત:કાળે શ્રી દશવૈકાલિક સૂત્રની ૧૭ ગાથાનો પાઠ કર્યા પછી મોંમા અન્ન-જળ મૂકે છે !
વિશ્વના કોઈપણ ધર્મમાં આવી શ્રેષ્ઢ શ્રદ્ધાંજલિ અપાઈ નથી !

આંખ છીપ, અંતર મોતી- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Post a Comment

0 Comments

Ad Code